Atal Bihari Vajpayee Death Anniversary: આજે પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની પુણ્યતિથિ છે. અટલ બિહારી વાજપેયીએ 16 ઓગસ્ટ 2018ના રોજ 94 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા હતા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીને(Atal Bihari Vajpayee) તેમની પુણ્યતિથિ પર તેમના સ્મારક ‘સદૈવ અટલ’ની મુલાકાત લઈને શ્રદ્ધાંજલિ આપી. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરે પણ પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની પુણ્યતિથિ પર તેમના સ્મારક ‘સદૈવ અટલ’ની મુલાકાત લીધી હતી અને પુષ્પ અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપી હતી.
આ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ આપવા માટે ‘સદૈવ અટલ’ સ્મારક પહોંચ્યા હતા. પીએમ મોદીએ અટલ બિહારી વાજપેયીના સ્મારક સ્થળ પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ દરમિયાન પીએમ મોદી સાથે કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને પાર્ટી અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડા પણ હાજર હતા. રાજનાથ સિંહ અને જેપી નડ્ડાએ પણ અટલ બિહારી વાજપેયીને તેમની સમાધિ પર ફૂલ અર્પણ કરીને શ્રદ્ધાંજલિ આપી હતી. લોકસભા સ્પીકર ઓમ બિરલાએ પણ અટલ બિહારી વાજપેયીને શ્રદ્ધાંજલિ આપી હતી.
ત્રણ વખત વડાપ્રધાન
તમને જણાવી દઈએ કે અટલ બિહારી વાજપેયીનો જન્મ 25 ડિસેમ્બર 1924ના રોજ થયો હતો. અટલ બિહારી વાજપેયી ત્રણ વખત વડાપ્રધાન હતા. તેઓ પ્રથમ વખત 1996માં 13 દિવસના સમયગાળા માટે વડાપ્રધાન બન્યા હતા. ત્યારબાદ તેઓ 1998 થી 1999 સુધી 13 મહિનાના સમયગાળા માટે પીએમ બન્યા. આ પછી, તેમણે 1999 થી 2004 સુધી સંપૂર્ણ કાર્યકાળ માટે વડા પ્રધાન પદ સંભાળ્યું.
2015માં ભારત રત્ન આપવામાં આવ્યો હતો
નરેન્દ્ર મોદી સરકારે 2014માં જાહેરાત કરી હતી કે વાજપેયીના જન્મદિવસ 25 ડિસેમ્બરને સુશાસન દિવસ તરીકે મનાવવામાં આવશે. 2015 માં તેમને ભારતના તત્કાલિન રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી દ્વારા ભારતના સર્વોચ્ચ નાગરિક સન્માન – ભારત રત્નથી નવાજવામાં આવ્યા હતા. લાંબી માંદગીને કારણે 16 ઓગસ્ટ 2018ના રોજ તેમનું અવસાન થયું હતું.