અમદાવાદમાં આગામી 25 અને 26 જાન્યુઆરીના રોજ કોલ્ડ પ્લેનો કોન્સર્ટ યોજાવવાનો છે જેની ટિકિટનું વેચાણ શરૂ થયું હતું અને હજારો ટિકિટ ગણતરીની મિનિટોમાં વેચાઈ ગઈ હતી. પરંતુ હવે બુક માય શો દ્વારા જાણ કરવામાં આવી છે કે, કોલ્ડ પ્લેમાં આવો તો સ્થળ પર પાર્કિંગની વ્યવસ્થા નથી જેથી પ્રેક્ષકોએ પબ્લિક ટ્રાન્સપોર્ટમાં આવવાનું રહેશે. જોકે IPL અને અન્ય મેચમાં સ્ટેડિયમની આસપાસ પાર્કિંગ મળી રહેતું હતું પરંતુ કોલ્ડ પ્લેમાં પાર્કિંગ નહિ મળે.
ટિકિટ ગણતરીની મિનિટોમાં જ હજારો રૂપિયામાં વેચાઈ ગઈ હતી. અત્યારે ટિકિટ સોલ્ડ આઉટ થઈ ચૂકી છે. ટિકિટ વેચાણ કરતા પ્લેટફોર્મ બુક માય શો દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે જે પણ પ્રેક્ષકો કોલ્ડ પ્લેના કોન્સર્ટમાં આવશે તેમને પાર્કિંગ માટેની વ્યવસ્થા મળશે નહિ કારણ કે સ્થળ પર પાર્કિંગ નથી જેથી પ્રેક્ષકોએ પબ્લિક ટ્રાન્સપોટેશનનો જ ઉપયોગ કરવાનો રહેશે.
મહત્ત્વનું છે કે અગાઉ IPL કે અન્ય ઇવેન્ટ દરમિયાન સ્ટેડિયમ પર પાર્કિંગ વ્યવસ્થા કરવામાં આવતી હતી. ખાનગી એજન્સી દ્વારા જ આસપાસના પ્લોટમાં પાર્કિંગ માટેની વ્યવસ્થા ઊભી કરવામાં આવતી હતી પરંતુ ઈન્ટરનેશનલ 2 દિવસના કોન્સર્ટમાં પાર્કિંગની વ્યવસ્થા રાખવામાં આવી નથી.
આયોજકે એજન્સી પાસેથી પાર્કિગ પ્લોટ્સ લેવાના હોય છે- GCA ગુજરાત ક્રિકેટ એસોસિયેશન કે જે નરેન્દ્ર મોદી સ્ટેડિયમના સંચાલક છે તેમની પાસેથી કોલ્ડપ્લે ઓર્ગેનાઈઝ દ્વારા કોઈ પાર્કિંગ વ્યવસ્થા માટેની ડીલ થઈ ન હોવાનું જણાવ્યું હતું. GCAના સેક્રેટરી અનિલ પટેલે દિવ્ય ભાસ્કર સાથે વાત કરતા કીધું કે, ઓર્ગેનાઈઝરે પાર્કિંગ પ્લોટ્સ એજન્સી પાસેથી લેવાના હોય છે અને રિવરફ્રન્ટ, કોર્પોરેશનમાં પ્લોટમાં એજન્સી દ્વારા વ્યવસ્થા કરવાની હોય છે જેની અમે જાણ કરી છે.