રાજ્યમાં માવઠાનું જોર ઘટ્યું છે. તે સમયે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં નહીવત વરસાદ નોંધાવા પામ્યો છે. તેમજ સાત તાલુકાઓમાં માત્ર 5 મીમી જેટલો વરસાદ નોંધાયો છે.
છેલ્લા બે દિવસથી ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદી માહોલ છવાતા લોકોએ ગરમીથી રાહત મળી હતી. તો બીજી બાજુ કમોસમી વરસાદથી ખેડૂતોનો જીવ પડીકે બંધાઈ જવા પામ્યો હતો. ત્યારે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં સામાન્ય વરસાદ નોંધાયો હતો. અને નર્મદાનાં સાગબારામાં અડધો ઈંચ વરસાદ નોધાયો હતો. જ્યારે અન્ય સાત તાલુકાઓમાં 5 મીમી જેટલો વરસાદ નોંધાયો હતો.
હવામાન વિભાગ એ કરી ગરમીની આગાહી…
હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં ફરી ગરમી પડે તેવી આગાહી કરવામાં આવી છે. તેમજ તાપમાનમાં પણ 3 ડિગ્રીનો વધારો થશે. ત્યારે રાજ્યનાં કેટલાક વિસ્તારોમાં સાઈક્લોનિક સર્ક્યુલેશનની અસરને લઈ વરસાદની આગાહી પણ હવામાન વિભાગે કરી છે. બનાસકાંઠા, ગીર સોમનાથમાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે. એ જ સાથે 16 મે એ બનાસકાંઠામાં વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. તેમજ પવનની ગતિ 5 થી 10 કિલોમીટર પ્રતિ કલાક રહેવાની શક્યતા કહેવામાં આવી છે.
સાઇક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાને કારણે વરસાદ પડવાની શકયતાં
બનાસકાંઠા ગીર સોમનાથમાં 15 મે ના રોજ ગાજબીજ સાથે છૂટાછવાયા વરસાદની આગાહી છે. તો 16 મે એ માત્ર બનાસકાંઠામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં આવતીકાલે અમુક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે એ જ સાથે પવનની ગતિ 5 થી 10 કિલોમીટર પ્રતિ કલાકે ફુકાશે. ઉત્તર પશ્ચિમ મધ્યપ્રદેશમાં સાઇક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાને કારણે વરસાદી માહોલ રહેશે. જ્યાં બે દિવસ બાદ રાજ્યમાં ફરી એક વખત તાપમાનમાં વધારો થશે. લગભગ બે થી ત્રણ ડિગ્રી તાપમાન વધાતા લોકોને ગરમીનો અહેસાસ થશે.