મોરબી: નર્મદા નદીમાં સાત વ્યક્તિ ડૂબ્યાને હજી એક દિવસ જ થયો છે એ સમયે વધુ એક દુર્ઘટના સામે આવી છે. 6 સગીર અને એક યુવાન મોરબીની મચ્છુ નદીમાં ન્હાવા પડ્યા ગયા હતાં. જેમાં મોરબીની મચ્છુ નદીમાં બે સગીર સહિત એક યુવાન ડૂબ્યો છે. એકને બચાવવા જતા બે સગીર પણ ડૂબ્યા હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે.
સુત્રોની જાણકારી મુજબ આ લોકો વોટર પાર્કમાં જવાનું કહીને ઘરેથી નીકળ્યા હતા. પરંતુ આ લોકો નદીમાં નાહવા પડ્યા હતા. મંગળવારે નર્મદા નદીમાં ગોઝારો બનાવ બન્યો હતો. સુરતના સણિયા હેમાદ વિસ્તારમાં આવેલી ક્રિષ્નાપાર્ક સોસાયટીમાં રહેતા એક જ પરિવારના 17 લોકો પોઈચા નર્મદા નદી કિનારે ન્હાવા આવ્યા હતા. મંગળવારે બપોરે 12 કલાકે ભરતભાઈ બલદાણીયા સહિત બીજા 9 વ્યક્તિ નર્મદામાં ન્હાવા ગયા હતા. પરિવારના સભ્યો ન્હાવાની મજા માણતા હતા ત્યારે ઉંડાણવાળી જગ્યાએ નવ સભ્યો અચાનક જ પાણીમાં ગરકાવ થવા લાગ્યા હતા. જેથી કાંઠે બેઠેલા પરિવારજનોએ બુમાબુમ કરી હતી. સ્થાનિક તરવૈયાઓએ બે વ્યક્તિને બચાવી લેવાયા હતા. આજે બુધવારે સવારે એક વ્યક્તિનો મૃતદેહ મળ્યો છે. હજી છ લોકોના મૃતદેહની શોધખોળ ચાલી રહી છે. ડૂબેલા વ્યક્તિઓમાં વરસલાહ મેવાભાઈ બલદાણીયા. (ઉ.વ. 45), આર્નવ ભરતભાઈ બલદાણીયા (ઉ.વ. 12), મૈત્રક્ષ ભરતભાઈ બલદાણીયા (ઉ.વ .15), વ્રજ હિંમતભાઈ બલદાણીયા (ઉ.વ.11), આર્યન રાજુભાઈ જીનીવા (ઉ.વ.7), ભાર્ગવ અશોકભાઈ હડિયા (ઉ.વ. 15), ભાવિક વલ્લભ ભાઈ હડીયા (ઉ.વ. 15)નો સમાવેશ થાય છે. જ્યારે મગનભાઈ નાનાભાઈ જીંજાળા અને કુસ્કી મગનભાઈ જીંજાળાનો બચાવ થયો છે.