રાજકોટ શહેરમાં ગુરૂવારે મોડી રાત્રે મેટોડા ગેઇટ નંબર ત્રણ નજીક અકસ્માતની ઘટના બની છે. આ ઘટનામાં એક મહિલા સહિત ત્રણ વ્યક્તિઓને વર્ના કારચાલક દ્વારા અડફેટે લીધા છે. ત્યારે આ મામલે ઈજાગ્રસ્તોને સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ત્યાં સારવાર દરમિયાન 21 વર્ષીય શીલાદેવી ચંદન શાહ તેમજ તેના દોઢ વર્ષીય પુત્ર અંકુશ ચંદન શાહનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું છે.મહિલા સહિત ત્રણ વ્યક્તિઓને અડફેટે લીધા બાદ કારચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો છે. સૂત્રના જાણકારી મુજબ કાર ચાલક મૂળ ખીરસરા ગામનો રહેવાસી છે. તેમજ તેનું નામ ચિરાગ વાગડિયા હોવાનું સામે આવ્યું છે.
આ ઘટનામાં ઘાયલ થયેલા શીલાદેવી ચંદન શાહના ભાઈ રાજા પાસવાનને પણ ઇજા પહોંચતા તેની હાલ સારવાર રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ચાલી રહી છે. પરિવારજનો મૂળ બિહારના વતની હોવાનું સામે આવ્યું છે. એ જ સમગ્ર મામલે માતા પુત્રના મોત થતા મેટોડા પોલીસ દ્વારા બનાવ સંદર્ભે બંનેની લાશને પોસ્ટ મોર્ટમ માટે પીએમ રૂમ ખાતે ખસેડવામાં આવી છે. પીએમની કાર્યવાહી પૂર્ણ થયા બાદ માતા પુત્રની લાશને તેના પરિવારજનોને સોંપવામાં આવશે. ત્યારે સમગ્ર મામલે મેટોડા જીઆઇડીસી પોલીસ દ્વારા બનાવ સંદર્ભે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. તો સાથે જ આરોપીની શોધખોળ પણ પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહી છે.