સુપ્રીમ કોર્ટે ગુરુવારે એક કેસની સુનાવણી દરમિયાન મોટી ટિપ્પણી કરી છે. વાત જાણે એમ છે કે, સુપ્રીમ કોર્ટે મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ અને જામીનને લઈ મોટો નિર્ણય સંભળાવ્યો છે. સુપ્રીમ કોર્ટે પોતાના નિર્ણયમાં સ્પષ્ટ કર્યું છે કે, જો મની લોન્ડરિંગનો કોઈ આરોપી કોર્ટના સમન્સ પર હાજર થાય છે તો EDએ તેની ધરપકડ કરવા માટે વિશેષ કોર્ટની મંજૂરી લેવી પડશે.આ ઐતિહાસિક નિર્ણયમાં સુપ્રીમ કોર્ટે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA)ની કલમ 19 હેઠળ EDને આપવામાં આવેલી ધરપકડની સત્તામાં થોડો ઘટાડો કર્યો છે. જસ્ટિસ અભય એસ ઓકા અને જસ્ટિસ ઉજ્જલ ભુયાની બેંચે આ નિર્ણય આપ્યો છે. બેન્ચે કહ્યું કે, કોર્ટ દ્વારા સંજ્ઞાન લીધા પછી ED અને તેના અધિકારીઓ કલમ 19 હેઠળ એવી વ્યક્તિની ધરપકડ કરી શકતા નથી જેને એજન્સીએ આરોપી બનાવ્યો હતો. કોર્ટે કહ્યું કે આવી સ્થિતિમાં જો ED આરોપીને કસ્ટડીમાં લેવા માંગે છે તો તેણે વિશેષ અદાલતની પરવાનગી લેવી પડશે.
સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું કે સ્પેશિયલ કોર્ટના સમન્સ પર હાજર થયેલા કોઈપણ આરોપીની ધરપકડ કરવા માટે ED PMLAની કલમ 19 હેઠળ વિશેષ સત્તાનો ઉપયોગ કરી શકે નહીં. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, કોઈ વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ દાખલ કર્યા પછી જો તપાસ દરમિયાન તેની ધરપકડ કરવામાં નહીં આવે તો આવી સ્થિતિમાં તેને કસ્ટડીમાં લેવા માટે વિશેષ અદાલતની મંજૂરી લેવી પડશે. જોકે કોર્ટે એ પણ સ્પષ્ટ કર્યું કે, જો કોઈ વ્યક્તિને ફરિયાદમાં આરોપી બનાવવામાં આવ્યો નથી તો તેની કલમ 19 હેઠળ ધરપકડ થઈ શકે છે. મની લોન્ડરિંગ એક્ટની કલમ 19 EDને અધિકાર આપે છે કે જો પુરાવાના આધારે એજન્સીને લાગે છે કે કોઈ વ્યક્તિ મની લોન્ડરિંગ માટે દોષિત છે, તો તે તેની ધરપકડ કરી શકે છે. આવી ધરપકડ માટે એજન્સીએ માત્ર આરોપીઓને કારણો આપવાના હોય છે.જસ્ટિસ ઓકા અને જસ્ટિસ ભુઈયાની ખંડપીઠે કહ્યું હતું કે, કોર્ટના સમન્સ પર હાજર થયેલા આરોપીને કસ્ટડીમાં ગણી શકાય નહીં અને તેથી જામીન માટે અરજી કરવાની જરૂર નથી. તેથી, આવી વ્યક્તિએ PMLA ની કલમ 45 માં ઉલ્લેખિત જામીન માટેની બે શરતો પૂરી કરવાની જરૂર રહેશે નહીં.
શું છે આ કલમ 45. એ આપને જણાવીએ પીએમએલએની કલમ 45માં મની લોન્ડરિંગના આરોપીને જામીન આપવા માટે બે શરતો છે. પ્રથમ શરત એ છે કે પ્રાથમિક દૃષ્ટિએ એવું જણાવું જોઈએ કે આરોપીએ કોઈ ગુનો કર્યો નથી અને જો તેને જામીન પર છોડવામાં આવે તો તે કોઈ ગુનો કરશે નહીં. અને બીજી શરત એ છે કે આરોપીને જામીન આપતા પહેલા કોર્ટ સરકારી વકીલને જામીન અરજીનો વિરોધ કરવાની તક આપશે.જો ED મની લોન્ડરિંગ કેસની તપાસ દરમિયાન આરોપીની ધરપકડ ન કરે અને તે કોર્ટના સમન્સ પર કોર્ટમાં હાજર થાય તો તે પછી તેની અટકાયત કરી શકાતી નથી. જો આરોપી કોર્ટના સમન્સ પર કોર્ટમાં હાજર થાય છે તો આવી સ્થિતિમાં EDએ તેને રિમાન્ડ પર લેવા માટે વિશેષ કોર્ટની મંજૂરી લેવી પડશે. આવી સ્થિતિમાં કોર્ટ જરૂરી જણાશે તો જ આરોપીની કસ્ટડી આપશે. આરોપી સમન્સ મુજબ કોર્ટમાં હાજર થાય તો તે કસ્ટડીમાં છે તેવું માની શકાય નહીં. તેથી આરોપીએ જામીન અરજી કરવી જરૂરી નથી.
સમગ્ર મામલો શું હતો એ આપને જણાવીએ તો જુલાઈ 2023માં વિશેષ અદાલતે સંજ્ઞાન લીધું અને મની લોન્ડરિંગના આરોપીને સમન્સ જાહેર કર્યા. આરોપીએ પંજાબ-હરિયાણા હાઈકોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી હતી. હાઈકોર્ટે આગોતરા જામીન આપવાનો ઈન્કાર કર્યો હતો અને કહ્યું હતું કે, આરોપી પીએમએલએની કલમ 45માં દર્શાવેલી બે શરતોમાંથી એક શરતને પૂરી કરતો નથી. જોકે કોર્ટે આ શરતે ધરપકડથી વચગાળાનું રક્ષણ આપ્યું હતું કે તેને સમન્સ પાઠવ્યા બાદ ટ્રાયલ કોર્ટમાં હાજર થવું પડશે. આરોપીઓએ આ નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો.