સુરેન્દ્રનગરનાં જોરાવરનગરમાં 3 મહિનાની બાળકીને ભૂવાએ ડામ આપ્યા હતાં. જેથી બાળકીની તબીયત લથડતા બાળકીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જ્યાં સારવાર દરમ્યાન બાળકીનું મોત નિપજ્યું હતું. આ સમગ્ર મામલે હોસ્પિટલ દ્વારા એ ડીવીઝનને પોલીસને જાણ કરતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
આવો જાણીએ શું છે સમગ્ર મામલો.
સુરેન્દ્રનગર: આજનો 21 મી સદીનો યુગ છે. પરંતુ તેમ છતાં પણ હજુ પણ લોકો અંધશ્રદ્ધાનો ભોગ બનતા હોય તેવી ઘટનાઓ અવાર નવાર સામે આવે છે. ત્યારે આવો હજી એક બનાવ સુરેન્દ્રનગરના જોરાવરનગરમાંથી સામે આવ્યો છે. જ્યાં 3 માસની બાળકી અંધશ્રદ્ધાનો ભોગ બની છે. 3 માસની બાળકીને ભૂવાએ અગરબત્તીના ડામ આપ્યા હોવાથી સારવાર માટે રાજકોટ લાવવામાં આવી હતી. અને મળતી જાણકારી પ્રમાણે બાળકીનું હાલ સારવાર દરિમયાન મોત નીપજ્યું છે.
શ્રમિક પરિવારની બાળકી બીમાર હતી માટે તેને સારવાર માટે ભુવા પાસે લઇ ગયા હતા. ભૂવાએ બાળકીને ડામ આપ્યા બાદ તેની તબિયત લથડી હતી. આથી બાળકીને પહેલા સુરેન્દ્રનગર અને ત્યારબાદ રાજકોટની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જ્યાં બાળકીનું સારવાર દરમિયાન મોત થયું હતું. આ મામલે પરિવારજનો બાળકીને ભુવા પાસે લઇ ગયા હોવાની વાતનો ઇન્કાર કરી રહ્યાં છે. પરિજનનોનું કહેવું છે કે તેના પિતાને ગંભીર બીમારી છે માટે તેનો ચેપ બાળકીને લાગ્યો હતો અને તેની સારવાર ચાલી રહી છે.
બાળકીના પરિવાર આપી રહ્યાં છે અલગ નિવેદન
બાળકીના પરિવારો અલગ નિવેદન આપી રહ્યાં છે જયારે બાળકીની સ્થિતિ તે અંધશ્રદ્ધાનો ભોગ બની હોય તેવું લાગી રહ્યું છે. હવે બાળકીના મોતનું સાચું કારણ જાણવા પોસ્ટમોર્ટમ કરવામાં આવશે અને ત્યાર બાદ તેના મોતનું સાચું કારણ જાણી શકાશે. આ મામલે હજુ સુધી કોઈ પોલીસ ફરિયાદ થઇ નથી પરંતુ ઘટનાના પગલે ગઈ કાલે મોડી રાત્રે જોરાવરનગર પોલીસ રાજકોટ જવા રવાના થઈ હતી. શક્ય છે કે બાળકીના મેડિકલ રિપોર્ટ મળ્યા બાદ પોલીસ કાર્યવાહી કરી શકે છે.