Gujarat News: ગુજરાતના અમદાવાદમાં ઈસ્લામિક સ્ટેટના 4 આતંકવાદીઓ ઝડપાયા છે. ગુજરાત ATSએ એરપોર્ટ પરથી ચારેય આતંકીઓની ધરપકડ કરી છે.
મળતી જાણકારી પ્રમાણે આજે ગુજરાત ATSને સૌથી મોટી સફળતા મળી છે. આજે (20 મે) અમદાવાદ એરપોર્ટ પરથી ISISના ચાર આતંકવાદી ઝડપાયા છે. મળતી માહિતી અનુસાર, અમદાવાદ એરપોર્ટ પરથી ધરપકડ કરાયેલા આતંકવાદીઓ શ્રીલંકાના હોવાની શંકા છે. અમદાવાદમાં IPLની મેચો પણ રમાવાની છે અને ક્રિકેટ ટીમો અમદાવાદ એરપોર્ટ પહોંચવાની છે. તો બીજી તરફ અમદાવાદ એરપોર્ટ પર હાઇ એલર્ટ જેવી સ્થિતિ સર્જાઈ છે. હાલમાં ATSએ આતંકવાદીઓને અજાણ્યા સ્થળે લઈ જઈને સઘન પૂછપરછ હાથ ધરી છે. આતંકવાદીઓ સાથે જોડાયેલ તમામ કનેક્શન અંગે તપાસ કરાઈ રહી છે. આતંકવાદીઓ સ્લીપર સેલ છે કે નહીં તેની તપાસ શરૂ કરી દેવાઈ છે.
મળતી માહિતી મુજબ, આ ચારેય આતંકીઓ અમદાવાદ આવી રહ્યા હોવાના ઈનપુટ મળ્યા હતા. કેન્દ્રીય એજન્સીએ ગુજરાત ATS સાથે આ ઈનપુટ શેર કર્યું હતું કે ઈસ્લામિક સ્ટેટ સાથે સંકળાયેલા આ આતંકવાદીઓ એરપોર્ટ પર આવ્યા હતા. આ તમામ આતંકવાદીઓ શ્રીલંકાના હોવાનું કહેવાય છે.
સૂત્રોનું માનીએ તો હાલ ગુજરાત ATSએ ચારેય આતંકીઓને અજ્ઞાત સ્થળે લઈ જઈ પૂછપરછ શરૂ કરી છે. અમદાવાદ એરપોર્ટ પર આતંકવાદીઓ કયા ઈરાદા સાથે આવ્યા હતા તેની માહિતી મળી નથી.