અમદાવાદમાં કાંકરીયા કાર્નિવલનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રારંભ કરાવ્યો હતો. તેમજ સીએમનાં હસ્તે 216 કરોડનાં કાર્યોનાં ઈ લોકાર્પણ અને ખાતમૂર્હત કર્યા હતા.
14 કરોડનાં ખર્ચે રી ડેવલપમેન્ટ કરેલ 114 આવાસ તથા દુકાનનો ડ્રો કરવામાં આવ્યો હતો. લાભાર્થીઓને ઘરની ચાવી આપવામાં આવી હતી. એઈડ્સની માહિતી માટેની ડિઝીટલ બુકનું વિમોચન કરાયું હતું. શહેરમાં સ્વચ્છતા રાખવા અંગે શપથ લેવડાવવામાં આવી હતી. સ્વચ્છતા માસ્કોટનું ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા નિવેદન આપ્યું હતું કે, એએમસી દ્વારા આયોજીત કાંકરિયા કાર્નિવલ સાથે 155 કરોડનાં વિકાસલક્ષી કામોનાં લોકાર્પણ સાથે હું સૌને શુભેચ્છા પાઠવું છું. તમામ પદાધિકારીઓ સાથે ત્રણ પૂર્વ મેયર પણ હાજર રહ્યા હતા.
અમદાવાદ ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ તા. 25 થી 31 દરમ્યાન કાંકરિયા કાર્નિવલની ઉજવણી કરવામાં આવી રહી છે. કાંકરિયા કાર્નિવલને લઈ 7 એન્ટ્રી ગેટ અને 3 મુખ્ય સ્ટેજ બનાવવામાં આવ્યા છે. સવારે 10 થી લઈ રાત્રે 10 વાગ્યા સુધી કાંકરિયા કાર્નિવલ યોજાશે.કાંકરિયા કાર્નિવલ તેમજ નવા વર્ષની ઉજવણીને લઈ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. કાંકરિયા કાર્નિવલ દરમ્યાન 3 શિફ્ટમાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. 7 ગેટ પરનાં દરેક ગેટ પર SHE ટીમ, 2 બોમ્બ સ્કોડ તૈનાત કરાશે. તેમજ 2 ડીસીપી, એસીપી, 19 પીઆઈ, 76 પીએસઆઈ સહિત 760 પોલીસ જવાનો બંદોબસ્તમાં તૈનાત રહેશે. તેમજ એક એસઆરપી કંપની તેમજ 150 જેટલા હોમગાર્ડ પણ બંદોબસ્તમાં રહેશે. બોડીવોર્ન કેમેરા, વોકીટોકી સેટ, વોચ ટાવરનો પણ ઉપયોગ કરવામાં આવશે. જ્યારે ટ્રાફિક માટે 1 જેસીપી, 2 ડીસીપી અને 1 એસીપી, જ્યારે 2 પીઆઈ, 2 પીએસઆઈ, 350 ટ્રાફિક પોલીસ બંદોબસ્તમાં રહેશે.