શહેર અમદાવાદમાં DEOની 20 ટીમો દ્વારા શહેરની 400થી વધુ શાળાઓમાં ચેકિંગ કરાયું હતું. તો ગ્રામ્યની 70 શાળાઓમાં ફાયર સેફ્ટી અને ફાયર NOCની તપાસ કરાઈ હતી
થોડા દિવસ પેહલા રાજકોટમાં થયેલી દુર્ઘટનાને પગલે અમદાવાદમાં પણ તંત્ર કામે લાગ્યું છે. અમદાવાદ શહેરમાં DEOની 20 ટીમો દ્વારા શાળાઓમાં તપાસ હાથ ધરાઇ હતી. તો બીજી તરફ અમદાવાદ ગ્રામ્યની શાળાઓમાં NOCની તપાસ હાથ ધરાઈ હતી.
અમદાવાદ શહેરની 400થી વધુ શાળાઓમાં તંત્ર દ્વારા ચેકિંગ કરાયું હતું. જેમાંથી 9 શાળાઓમાં NOC એક્સપાયર્ડ હોવાથી તાત્કાલિક ધોરણે NOC માટેની કાર્યવાહી કરવા નોટિસ અપાઇ છે. જ્યારે 11થી વધુ શાળાઓમાં પતરાના શેડ જોવા મળ્યા હતાં. જે તમામ શાળાઓને લઇ સુનાવણી હાથ ધરાઇ હતી. જેમાં 7 શાળાઓમાં સુનાવણી થઇ ચુકી છે જ્યારે બાકીની શાળાઓની સુનાવણી કરી શેડ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરાશે.
બીજી તરફ અમદાવાદ ગ્રામ્યની શાળાઓમાં તપાસ હાથ ધરાઇ હતી. આશરે 70 શાળાઓમાં ફાયર સેફ્ટી અને ફાયર NOCની તપાસ કરાઈ હતી. જેમાંથી 2 શાળાએ ફાયર NOC રીન્યુ ન કરાવી હોવાનું ખુલ્યું જ્યારે ફાયર NOC ન હોવાથી શાળાને નોટિસ આપવામાં આવી. આ સાથે જ 6 શાળાઓમાં પતરાના શેડ હોવાનું સામે આવ્યું હતું. જેથી આવી શાળાઓને નોટિસ આપી જવાબ રજૂ કરવા ગ્રામ્ય DEOએ આદેશ કર્યો છે.