મળતી જાણકારી પ્રમાણે રશિયામાં સેન્ટ પીટર્સબર્ગ પાસે નદીમાં ડૂબી જવાથી ચાર ભારતીય વિદ્યાર્થીઓના મોત થયા છે. અહીંનું ભારતીય મિશન તેમના મૃતદેહો તેમના પરિવારોને શક્ય તેટલી વહેલી તકે પરત કરવા માટે રશિયન સત્તાવાળાઓના સંપર્કમાં છે. ચારેય વિદ્યાર્થીઓ વેલિકી નોવગોરોડ શહેરમાં સ્થિત નોવગોરોડ સ્ટેટ યુનિવર્સિટીમાં દવાનો અભ્યાસ કરતા હતા. તેમાં 18 થી 20 વર્ષની વયના બે છોકરા અને બે છોકરીઓનો સમાવેશ થાય છે.
એકને બચાવવા જતાં બીજા 3 ડૂબ્યાં
સ્થાનિક મીડિયાના અહેવાલ અનુસાર એક ભારતીય વિદ્યાર્થિની વોલખોવ નદીમાં કિનારે થોડેક દૂર જતી રહી હતી અને ડૂબવા લાગી તો તેના ચાર સાથી તેને બચાવવાનો પ્રયાસ કરવા લાગ્યા. અહેવાલ અનુસાર તેને બચાવવાના પ્રયાસમાં વધુ 3 વિદ્યાર્થી એ જ નદીમાં ડૂબી ગયા. એક છોકરાને સ્થાનિકો એ સુરક્ષિત બહાર કાઢ્યો હતો.
વિદ્યાર્થીની સારવાર ચાલી રહી છે
મોસ્કોમાં ભારતીય દૂતાવાસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર લખ્યું છે કે, “અમે મૃતદેહોને શક્ય તેટલી વહેલી તકે પરિવારોને પરત કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.” જે વિદ્યાર્થીનો જીવ બચી ગયો તેને યોગ્ય સારવાર આપવામાં આવી રહી છે.
શક્ય તમામ મદદ પૂરી પાડવામાં આવશે
સેન્ટ પીટર્સબર્ગમાં ભારતીય કોન્સ્યુલેટ જનરલે જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓ વેલિકીમાં નોવગોરોડ સ્ટેટ યુનિવર્સિટીમાં મેડિસિનનો અભ્યાસ કરી રહ્યા હતા. “શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે અમારી સંવેદના,” તેમણે લખ્યું કોન્સ્યુલેટ જનરલે કહ્યું, “શોકગ્રસ્ત પરિવારોનો સંપર્ક કરવામાં આવ્યો છે અને તેમને તમામ શક્ય મદદની ખાતરી આપવામાં આવી છે.”