સુરતના ડુમસ વિસ્તારમાં સરકારી જમીન ખોટી રીતે ખાનગી વ્યક્તિઓના નામે ચડાવી બે હજાર કરોડનું જમીન કૌભાંડ આચરવા મામલે IAS અધિકારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સુરત કલેક્ટરની ફરજ દરમિયાન સરકારી જમીન વેચી મહેસૂલ વિભાગને નુકસાન પહોંચાડવા મામલે રાજ્ય સરકાર દ્વારા વલસાડના કલેક્ટર આયુષ ઓકને સસ્પેન્ડ કર્યા છે. લાંબા સમયથી આ જમીન કૌભાંડ મામલે ઝીણવટ ભરી તપાસ ચાલી રહી હતી. જો કે, તપાસના અંતે કલેક્ટર કક્ષાના અધિકારીને સસ્પેન્ડ કરતા સન્નાટો વ્યાપી ગયો છે. ઉલ્લેખનિય છે કે, આયુષ ઓક હાલ વલસાડના કલેક્ટર તરીકે ફરજ બજાવી રહ્યા હતા.
સુરતના ડુમસમાં 2,000 કરોડ રૂપિયાની 2,17,216 ચો.મી. સરકારી જમીન બારોબાર બિલ્ડરોને પધરાવી દેવાના કૌભાંડનો પદ્રાફાશ થયો હતો. જેમાં કલેક્ટર આયુષ ઓકનું નામ ઉછળીને સામે આવતા તેમની બદલી કરી નાંખવામાં આવી હતી. તેમણે જોકે બદલી પહેલા કેટલાક વિવાદાસ્પદ ઓર્ડરો પર સહી કરી દીધી હતી. જેમાં સરકારી જમીન બિલ્ડરોને બારોબાર પધરાવી દેવાના કૌભાંડનો પણ સમાવેશ થતો હતો.
ડુમસની જમીન બિલ્ડરોને પધરાવી દેવાના કાવતરાનમાં સરકારે તાત્કાલિક ધોરણે મહેસૂલ સચિવ પાસેતી મનાઈ હુકમ મેળવી લીધો હતો,. સરકારી જમીન ગણોતીયાને પધરાવવાના આયુષ ઓકના નિર્ણય પાછળ ભાજપનું કોઈ મોટુ રાજકીય માથુ હોવાની સુરતના મહેસૂલી વર્તુળોમાં તે સમ.યે જોરદાર ચર્ચા ચાલી હતી.
અગાઉના કલેકટરના હુકમ વિરુદ્ધ
આ મામલે ધારાસભ્ય તુષાર ચૌધરીએ આક્ષેપ કરતા જણાવ્યું છે કે, ડુમસની કરોડોની સરકારી જમીન પચાવી પાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. તેમજ અગાઉના કલેકટરના હુકમ વિરુદ્ધ જઈ તત્કાલીન કલેકટર આયુષ ઓકે ગણોતિયા તરીકે અન્યનું નામ દાખલ કરાવ્યું હતું .અને સરકારી જમીનમાં ગણોતીયાના નામ દાખલ કરવાનું કૌભાંડ થયું હોવાની વાત છે. ડુમસ ખાતેની સર્વે નં. 311/33 વાળી અંદાજિત 2,17,216 ચોરસ મીટર જમીનમાં થયેલ ભ્રષ્ટચારની તપાસ થાય યોગ્ય રીતે થયા તેવી માંગ કરી હતી.
મુખ્યમંત્રીને પત્ર લખી ફરિયાદ
જણાવી દઈએ કે, કોઈપણ પ્રકારના આધાર પુરાવાઓ વિના જ ગણોતિયાઓના નામ સરકારની જમીનમાં દાખલ કરી દેવામાં આવ્યા હતા . સર્વે નં. 311/3 વાળી જમીનનું ગણોતિયાઓ દ્વારા વખતો વખત વેચાણ કરાયું હતું અને ત્યારબાદ જમીનને બિન-ખેતી કરાવવા માટે જિલ્લા કલેકટર કચેરી ખાતે કાર્યવાહી કરવામાં આવી હતી. પ્રાંત અધિકારી દ્વારા તપાસ કરતાં સદર જમીન સરકારની હોય તેવી હકીકત બહાર આવી હતી .જે મામલે તાત્કાલિક ધોરણે સીટની રચના કરી તપાસ કરાવવામાં અંગે તેવી માંગ સાથે મુખ્યમંત્રીને પત્ર લખી રજુવાત કરવામાં હતી.
વિપક્ષના આક્ષેપો
સુરતના ડુમસ વિસ્તારમાં સરકારી જમીન કલેક્ટર દ્વારા ખોટી રીતે આદેશ કરીને ગણોતિયાના નામે ચડાવી દેવાના આક્ષેપો વિપક્ષ દ્વારા કરવામાં આવ્યા હતા. તેમજ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર સુધી હવે આ મુદ્દો ચર્ચાસ્પદ બન્યો હતો. ત્યારે કોના ઇશારે ગણોતિયાનું નામ દાખલ કરવામાં આવ્યું અને આની પાછળ કયા રાજનેતાનો ખેલ છે તે મામલે SITની રચના કરી તપાસ કરવાની માગ કોંગ્રેસ નેતા દ્વારા કરવામાં આવી હતી. આ બાબતે કાયદાકીય રીતે પૂર્વ કલેક્ટર દ્વારા જે જમીન સરકારી હોવાનું કહેવામાં આવ્યું હતું તે જમીનમાં રાતોરાત ગણોતિયાનું નામ દાખલ કરીને કેવી રીતે ખેલ પાડી દેવામાં આવ્યો તેને લઇને અનેક શંકાઓ ઉભી થઈ હતી.