ગોંડલના ધારાસભ્યના પુત્ર ગણેશ જાડેજા અને તેમના માણસો દ્વારા જૂનાગઢ જિલ્લામાં અપહરણ કરવાની ઘટના બની હતી. જે બનાવને પગલે સમગ્ર અનુસુચિત જાતિ સમાજમાં રોષ ફેલાયો છે. ત્યારે આજે જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, પોરબંદર, રાજકોટ, જામનગર, ધોરાજી, ઉપલેટા તેમજ સૌરાષ્ટ્રભરના અનુ.જાતિ સમાજ દ્વારા બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે.
સમસ્ત અનુ.જાતિ સમાજ ગુજરાત દ્વારા આજે જૂનાગઢથી ગોંડલ સુધીનું રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે બીજી બાજું ‘ગોંડલ ગણેશ’ ગોંડલના સમર્થનમાં સૌરાષ્ટ્રનું અગ્રીમ ગણાતું ગોંડલ માર્કેટિંગ યાર્ડ સાથે ગોંડલનાં 84 ગામો સ્વયંભૂ સજ્જડ બંધ રહ્યાં છે.
જૂનાગઢથી ગોંડલ સુધી બાઈક રેલી યોજાયા બાદ ગોંડલમાં મહાસભાનું આયોજન કરવામાં આવ્યું છે. અનુસૂચિત જાતિ સમાજની રેલીને પગલે ગોંડલ પોલીસ છાવણીમાં ફેરવાયું છે. જૂનાગઢથી જેતપુર, વીરપુર, જામવાડી, થઈ ગોંડલ પહોંચશે. જ્યારે અનુસૂચિત જાતિ સમાજનાં લોકો બાઈક રેલીમાં જોડાશે. જેને લઈ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જેમાં ગોંડલમાં પાંચ જીલ્લાનો પોલીસ બંદોબસ્ત ગોઠવાય છે. જેમાં રાજકોટ, જામનગ, સુરેન્દ્રનગર, દ્વારકા, મોરબી જીલ્લાનો પોલીસ સ્ટાફ ગોંડલ ખાતે ગોઠવવામાં આવ્યો છે.
મળતી માહિતી પ્રમાણે ગોંડલમાં અનુસૂચિત જાતિની રેલીને પગલે 4 ડીવાયએસપી, 11 પીઆઈ, 34 પીએસઆઈ સહિત 4 ઘોડેશ્વર પોલીસ સહિત 600 પોલીસ જવાનો બંદોબસ્તમાં તહેનાત કરવામાં આવ્યો છે. તેમજ ગોંડલના ધારાસભ્યના પુત્ર ગણેશનાં સમર્થનમાં ગોંડલ માર્કેટ યાર્ડ સજ્જડ બંધ પાળશે. તેમજ ગોંડલ ધારાસભ્યનાં નિવાસ સ્થાને પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.