મળતી માહિતી પ્રમાણે બનાસકાંઠા લોકસભા સીટ પરથી ચૂંટાયેલા ગેનીબેન ઠાકોરે આજે ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું છે. ગેનીબેન આજે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીને રાજીનામું સોંપ્યું હતું. ગેનીબેન ઠાકોર રાજીનામુ આપવા ગયા ત્યારે તેમની સાથે અમિત ચાવડા, વિમલ ચુડાસમા સહિતના ધારાસભ્યો હાજર રહ્યા હતા. આ ગેનીબેન ઠાકોરએ રાજીનામુ આપતા વિધાનસભા ગૃહમાં કોંગ્રેસનું સંખ્યાબળ 13થી ઘટીને 12 થઈ ગયું છે.
વાવ બેઠકના ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યા બાદ ગેનીબેન ઠાકોરે જણાવ્યું હતું કે, ધારાસભ્ય તરીકે બે ટર્મ મને મોકો આપ્યો તે બદલ મારા મતદારોનો આભાર. રાજ્યમાં એક માત્ર કોંગ્રેસના સાંસદ તરીકે મને આશીર્વાદ આપીને લોકોનો અવાજ દિલ્હી સુધી પહોંચડવા મને મોકો આપ્યો તે બદલ કોંગ્રેસ પાર્ટીનો આભાર.
ગેનીબેન ઠાકોરે વધુમાં જણાવ્યું હતું કે લોકશાહીના ભાગરૂપે જ્યાં સુધી ચૂંટણી હોય ત્યાં સુધી એકબીજા પર આક્ષેપો થતા હોય છે, ત્યારબાદ લોકોના હિતમાં કામ કરવાનું હોય છે. વિધાનસભા હોય કે લોકસભા હોય, ગુજરાતના હિતની વાત હોય કે દેશની વાત હોય, ત્યારે સર્વપક્ષીય લોકોની સુખાકારી માટે સાથે મળી કામ કરીશું.
તૈમજ ગેનીબેન લોકસભા ચૂંટણી જીત્યા બાદ પહેલીવાર અમદાવાદમાં આવેલા પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય પર પહોંચ્યા હતાં. ગેનીબેન કોંગ્રેસ કાર્યાલય પહોંચતા કાર્યકરોએ બનાસની બેન ગેનીબેનના નારા સાથે સ્વાગત કર્યું હતું. આ સાથે 2009 બાદ પહેલીવાર કોંગ્રેસનો કોઈ ઉમેદવાર લોકસભા ચૂંટણી જીત્યો છે.