Gujarat: ગુજરાતના અમરેલીના સુરગપરા ગામમાંથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અહીં એક બાળકી 45 થી 50 ફૂટ ઊંડા બોરવેલમાં પડી હતી. ઘટનાસ્થળે બચાવ કામગીરી ચાલી રહી છે. બાળકીને બોરવેલમાંથી બહાર કાઢવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
અમરેલીનાં સુરાગપુર ગામમાં વાડી વિસ્તારમાં એક ખેત મજૂરની બાળકી રમતા રમતા બોરવેલમાં ખાબકી છે. દોઢ વર્ષની આરોહી નામની બાળકી બોરવેલમાં પડી 108 ઇમરજન્સી સર્વિસ અને ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવી હતી. તેમજ ઘટનાની ગંભીરતાને જાણી 108 અને ફાયર ટીમ ત્વરિત ઘટના સ્થળે પહોંચી હતી અને આરોહીને બોરવેલમાંથી બહાર કાઢવાની કામગીરી હાથ ધરી છે.
આરોહીને બોરવેલમાં ઑક્સિજન મળી રહે તે માટે 108 દ્વારા તજવીજ હાથ ધરાઈ છે. જ્યારે ફાયર બ્રિગેડ દ્વારા પણ બાળકીને બચાવવા યુદ્ધના ધોરણે રેસ્ક્યૂ કામગીરી કરવામાં આવી રહી છે. દોઢ વર્ષની આરોહી બોરવેલમાં 45 થી 50 ફૂટના અંતરે હોવાનું પ્રાથમિક અનુમાન છે. તેમજ આરોહીને બચાવવાની કામગીરીઓ તંત્ર દ્વારા શરૂ કરાઇ છે. ત્યારે બીજી તરફ માસૂમ બોરવેલમાં પડી જતાં પરિવાર સહિત ગ્રામજનો ચિંતાતૂર થયા છે.