Hajj 2024 Saudi Arabia: સાઉદી અરેબિયામાં આકરી ગરમી વચ્ચે આ વર્ષે હજ યાત્રા દરમિયાન સેંકડો લોકોના મોત થયા છે. મળતી માહિતી પ્રમાણે લોકો તેમના પ્રિયજનોના મૃતદેહ મેળવવાની રાહ જોઈ રહ્યા હતા. દરેક મુસલમાન પોતાના જીવનમાં એકવાર હજ યાત્રા પર જવા ઈચ્છે છે. હજ 2024 દરમિયાન, વિશ્વભરના મુસ્લિમો સાઉદી અરેબિયાના મક્કા અને મદીના પહોંચ્યા હતા. પરંતુ કાળઝાળ ગરમી અને ગરમીના મોજાને કારણે અહીં 90 ભારતીયો સહિત 900થી વધુ લોકોના મોત થયા હતા.
આવી સ્થિતિમાં સાઉદી સરકારની આખી દુનિયામાં બદનામી થઈ છે. કારણ કે સરકારે ગરમીનો સામનો કરવા માટે જરૂરી વ્યવસ્થા કરી ન હતી. હજુ સુધી સાઉદી સરકાર તરફથી આ અંગે કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. તેમજ મૃતકોની સંખ્યા અંગે કોઈ ખુલાસો કરવામાં આવ્યો નથી. જો કે, સેંકડો મુસ્લિમ પરિવારો હજુ પણ તેમના સ્વજનોના મૃતદેહને તેમના વતન પરત લેવા માટે રાહ જોઈ રહ્યા છે.
મળતી માહિતી પ્રમાણે , પાંચ દિવસની હજ યાત્રા દરમિયાન ઓછામાં ઓછા 900 લોકોના મોત થયા હતા. આંકડાઓ અનુસાર, આ વખતે હજ યાત્રામાં વિશ્વભરમાંથી 18 લાખથી વધુ મુસ્લિમોએ ભાગ લીધો હતો. આ દરમિયાન ભારે ગરમી જોવા મળી હતી. સોમવારે મક્કામાં મહત્તમ તાપમાન 51.8 ડિગ્રીએ પહોંચ્યું હતું. સમાચાર એજન્સી એએફપીના અહેવાલ મુજબ, એકલા ઇજિપ્તમાં ઓછામાં ઓછા 600 લોકોના મોત થયા છે. અલગ-અલગ દેશો દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ અત્યાર સુધીમાં 992 લોકોના મોત થયા છે. તેમજ પાંચ દિવસની હજ યાત્રા દરમિયાન 80 ભારતીયોના પણ મોત થયા હતા. માર્યા ગયેલા તમામ યાત્રાળુઓ કુદરતી કારણોસર મૃત્યુ પામ્યા હતા. ઈજિપ્ત ઉપરાંત જોર્ડન, ઈન્ડોનેશિયા, ઈરાન, ટ્યુનિશિયા, ઈરાક અને સેનેગલે પોતાના નાગરિકોના મોતની પુષ્ટિ કરી છે.
જોકે, ઘણા કિસ્સામાં સત્તાવાળાઓએ કારણ આપ્યું નથી. માર્યા ગયેલા યાત્રાળુઓના પરિવારજનો સોશિયલ મીડિયા પર તેમના સંબંધીઓ વિશે પોસ્ટ કરી રહ્યા છે. જેથી તેઓ તેમના વિશે કોઈપણ માહિતી મેળવી શકે.