રાજકોટ અગ્નિકાંડનો રિપોર્ટ સોપાયો છે. જેમાં SITના વડા સુભાષ ત્રિવેદીએ રિપોર્ટ સોંપ્યો છે. તેમાં ટાઉન પ્લાનિંગ વિભાગ, ફાયર વિભાગની બેદરકારી તેમજ લાયસન્સ બ્રાન્ચ, આર એન્ડ બી વિભાગની બેદરકારી સામે આવી છે. જેમાં અલગ અલગ વિભાગની નિષ્કાળજી સામે આવી છે. તેમાં સુભાષ ત્રિવેદીએ જણાવ્યું છે કે FSLના આધારે પુરાવા તૈયાર કર્યા છે.
મળતી માહિતી પ્રમાણે 3 જૂન 2024ના રોજ રાજકોટ TRP ગેમ ઝોન દુર્ઘટના મામલે નિમાયેલી SIT એ તપાસ અહેવાલ હાઈકોર્ટમાં રજૂ કર્યો હતો. SITએ તેના રિપોર્ટમાં ચોંકાવનારાં તારણો રજૂ કર્યાં હતાં. સીટના અધ્યક્ષ સુભાષ ત્રિવેદીના રિપોર્ટમાં એવું તારણ રજૂ કરાયું હતું કે TRP ગેમિંગ ઝોનમાં આગથી મૃત્યુ પામેલા 27 લોકોનાં મોત માટે મ્યુનિસિપલ કોર્પોરેશન, પોલીસ વિભાગ અને માર્ગ-મકાન વિભાગના અધિકારીઓ જવાબદાર છે. ત્રણેય વિભાગની સંયુકત બેદરકારી અને મેળાપીપણામાં આ દુર્ઘટના બની છે. TRP ગેમિંગ ઝોનના માલિકો સૌથી મોટા ગુનેગાર છે.
4 વિભાગોની લાપરવાહી સામે આવી
આ સમગ્ર ઘટનામાં ફાયર વિભાગ, પ્લાનિંગ વિભાગ, લાયસન્સ બ્રાંચ સહિત પોલીસના અમુક વિભાગો અને આર એન્ડ વિભાગના કર્મચારીઓની બેદરકારી હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. જોકે આ સમગ્ર ઘટનામાં ઉચ્ચ અધિકારીઓની ભૂમિકાને લઇને હજુ તપાસ ચાલુ છે. રાજકોટ અગ્નિકાંડમાં જવાબદાર અધિકારીઓ વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.
20 જૂન એટલે કે ગઇકાલે રિપોર્ટ સોંપવાનો હતો પરંતુ તેમાં કામગીરી અધુરી હોવાથી વિલંબ થઇ રહ્યો હતો. ગઇકાલે મોડી રાત સુધી નિવેદનો નોંધવાની પ્રક્રિયા ચાલી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે હાઇકોર્ટે સુઓમોટો લઇને 27 મેના રોજ સુનાવણી કરી હતી ત્યારે રાજ્ય સરકારે જણાવ્યું હતું કે 72 કલાકની અંદર સીટનો રિપોર્ટ સુપરત કરવામાં આવશે. પરંતુ આજે રાજકોટ અગ્નિકાંડના 28 દિવસ બાદ સીટનો રિપોર્ટ સોંપવામાં આવ્યો છે.