AIMIM પાર્ટીના વડા અને હૈદરાબાદ લોકસભા સીટના સાંસદ અસદુદ્દીન ઓવૈસી ફરી એકવાર વિવાદમાં ઘેરાયા છે. મંગળવારે લોકસભામાં સાંસદ તરીકેના શપથ દરમિયાન ઓવૈસીએ પેલેસ્ટાઈનના સમર્થનમાં જય પેલેસ્ટાઈનના નારા લગાવ્યા હતા. હૈદરાબાદના સાંસદ ઓવૈસીએ જય પેલેસ્ટાઈનના નારા લગાવ્યા બાદ સંસદમાં અને બહાર પણ હોબાળો થયો છે.
અત્યાર સુધી પ્રાપ્ત માહિતી અનુસાર, જ્યારે અસદુદ્દીન ઓવૈસીએ પોતાના શપથમાં જય પેલેસ્ટાઈન કહ્યું ત્યારે કેન્દ્રીય મંત્રી અને બીજેપી સાંસદ શોભા કરંદલાજેએ તેની સામે વાંધો ઉઠાવ્યો હતો. આ પછી લોકસભામાં પ્રિસાઇડિંગ ઓફિસર રાધા મોહન સિંહે અસદુદ્દીન ઓવૈસીના આ નિવેદનને રેકોર્ડમાંથી હટાવવાનું કહ્યું હતું. જો કે ઓવૈસીના આ નિવેદનનો વીડિયો હવે વાયરલ થયો છે. તેમજ લોકસભામાં શપથ ગ્રહણ સમારોહ દરમિયાન, AIMIM પાર્ટીના વડા અને હૈદરાબાદ લોકસભા બેઠકના સાંસદ અસદુદ્દીન ઓવૈસી પોડિયમ પર શપથ લેવા માટે પ્રથમ આવ્યા હતા. તેણે પોતાના શપથ પૂરા કર્યા અને પછી જય ભીમ, જય મીમ, જય તેલંગાણા અને છેલ્લે જય પેલેસ્ટાઈન તકબીર અલ્લાહ હુ અકબરના નારા લગાવ્યા.