રાજ્યમાં હવે ચોમાસાનો માહોલ બરાબરનો જામ્યો છે. હવામાન વિભાગ દ્વારા આજે સાર્વત્રિક મેઘમહેરની આગાહી કરવામાં આવી છે. ગઈકાલે રાજ્યના અનેક જિલ્લામાં વરસાદ ખાબક્યો હતો. રાજ્યના 102 તાલુકામાં ગઈકાલે વરસાદ ખાબક્યો હતો.
ગુજરાતમાં ચોમાસાની ગતિ ધીમે-ધીમે વધી રહી છે. કેટલાય વિસ્તારોમાં ભારે વરસાદ પણ થયો છે. ત્યારે વરસાદને કારણે કેટલાક વિસ્તારોમાં ઠંડક પ્રસરી ગઈ છે તો કેટલાક વિસ્તારોમાં ગરમી અને બફારો થઈ રહ્યો છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં આગામી પાંચ દિવસ સુધી સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાતનાં વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
આજે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં અને સારાષ્ટ્ર-કચ્છના સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દિવમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના તેમજ હવામાન વિભાગની આગાહી પ્રમાણે દરિયાકાંઠાના વિસ્તારોમાં 35થી 45 કિમી પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાશે. સાથે જ પવનની ગતિ વધીને મહત્તમ 55 કિમી પ્રતિકલાકની ઝડપે પણ પવન ફૂંકાઈ શકે છે.