AIMIMના વડા અને હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ મંગળવારે 25 જૂને સાંસદ તરીકે શપથ લીધા હતા. આ દરમિયાન તેમણે જય પેલેસ્ટાઈનના નારા લગાવ્યા હતા. આ અંગે વિવાદ શરૂ થયો છે. ઓવૈસીની સંસદ સદસ્યતા રદ કરવા માટે રાષ્ટ્રપતિને ફરિયાદ કરવામાં આવી છે.
તમને જણાવી દઈએ કે, સતત પાંચમી વખત હૈદરાબાદના સાંસદ બનેલા ઓવૈસીએ મંગળવારે લોકસભામાં ઉર્દૂમાં શપથ લીધા હતા. શપથ લેતા પહેલા પ્રાર્થના પણ કરી. શપથ બાદ તેઓએ જય ભીમ, જય મીમ, જય તેલંગાણા અને જય પેલેસ્ટાઈનના નારા લગાવ્યા હતા. ઓવૈસીના આ સૂત્રોચ્ચાર સામે એનડીએના સાંસદોએ જોરદાર વિરોધ નોંધાવ્યો હતો. તેમજ શપથ બાદ પ્રોટેમ સ્પીકરે અધ્યક્ષને કહ્યું કે ઓવૈસીના શપથના મૂળ લખાણને જ રેકોર્ડ પર લેવામાં આવશે. બાકીનું બધું દૂર કરવામાં આવશે. શપથ બાદ સર્જાયેલા વિવાદ અંગે ઓવૈસીએ કહ્યું કે તેમણે ગૃહમાં જય પેલેસ્ટાઈન કહ્યું હતું. તેમણે કહ્યું કે અલગ-અલગ સભ્યોએ અલગ-અલગ વાત કહી છે. મેં જય ભીમ, જય મીમ, જય તેલંગાણા અને જય પેલેસ્ટાઈન પણ કહ્યું. તેમાં શું ખોટું છે? મને બંધારણની જોગવાઈઓ જણાવો. મહાત્મા ગાંધીએ પેલેસ્ટાઈન વિશે શું કહ્યું? આ પણ જણાવવું જોઈએ.
ઓવૈસીના જય પેલેસ્ટાઈન બાદ સુપ્રીમ કોર્ટના વકીલ વિષ્ણુ શંકર જૈને મંગળવારે રાષ્ટ્રપતિને ફરિયાદ કરી છે. ઓવૈસીની સદસ્યતા રદ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. તેમણે ટ્વિટ કરીને કહ્યું કે ભારતના બંધારણની કલમ 102 અને 103 હેઠળ ભારતના રાષ્ટ્રપતિ સમક્ષ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જેમાં તેમનું સંસદ સભ્યપદ રદ કરવાની માંગ કરવામાં આવી છે.