Punjab on High Alert: પઠાણકોટમાં શંકાસ્પદ આતંકવાદીઓ નજર આવ્યા બાદ ગુરદાસપુર અને હોશિયારપુરમાં પણ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. 2015માં ગુરદાસપુરના દીનાનગરમાં આતંકી હુમલો થયો હતો જ્યારે 2016માં પઠાણકોટ એરબેઝ પર આતંકીઓએ હુમલો કર્યો હતો.
પઠાણકોટમાં જમ્મુ-કાશ્મીરના કઠુઆ અને ભારત-પાકિસ્તાનની સરહદને અડીને આવેલા ગામ કોટ પાટિયનમાં રાત્રે બે શંકાસ્પદ આતંકવાદીઓને જોવામાં આવ્યા બાદ સમગ્ર વિસ્તારમાં હાઈ એલર્ટ મૂકવામાં આવ્યું છે. તેમજ કોટ પાટિયન ગામમાં રાત્રે લગભગ 9.30 વાગ્યે, બે સશસ્ત્ર શકમંદો એક ફાર્મ હાઉસમાં ઘૂસી ગયા અને પરિવારને બંધક બનાવ્યો. શંકાસ્પદ આતંકવાદીઓએ ત્યાં રાત્રિભોજન કર્યું અને પછી ચાલ્યા ગયા.
બે શકમંદોને નજરે પડવાની માહિતી મળતાં જ આખું ગામ પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું હતું. જે ફાર્મ હાઉસમાં શંકાસ્પદ લોકો રોકાયા હતા તેની બહાર પોલીસ દળ કડક નજર રાખી રહ્યું છે. આ ગામ આંતરરાષ્ટ્રીય સરહદથી લગભગ બે કિલોમીટર દૂર છે.
માહિતી મળતાની સાથે જ પોલીસ, બીએસએફ, આર્મી, કમાન્ડોએ સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લીધો હતો. આરોપીઓ ક્યાંથી આવ્યા અને ક્યાં ગયા તેની તપાસ કરવામાં આવી રહી છે. પઠાણકોટ અને ગુરદાસપુર જિલ્લાઓને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે. પોલીસ દ્વારા પણ સઘન તપાસ કરવામાં આવી રહી છે. તેમજ હોશિયારપુર પણ શંકાસ્પદ નજરે પડવાની માહિતીને કારણે હાઈ એલર્ટ પર છે. એસએસપી સુરેન્દ્ર લાંબાના જણાવ્યા અનુસાર, પઠાણકોટ અને ગુરદાસપુરથી હોશિયારપુર જિલ્લામાં આવતા તમામ માર્ગો પર વિશેષ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.