ગુજરાતમાં ફરી એક વખત અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર થયેલો તથ્ય પટેલ કાંડ ચર્ચામાં આવ્યો છે. ઇસ્કોન બ્રિજ પર સર્જાયેલા અકસ્માતમાં 9 લોકોના મોત થયા હતા. બેફામ રીતે કાર હંકારી અકસ્માત સર્જનાર તથ્ય પટેલની જગુઆર કાર કોઇ ટ્રાયલ કોર્ટમાં ક્રીશ વારિયાની ખોટી સહી કરીને છોડાવી ગયું હોવાના અહેવાલ પ્રકાશિત થતાં ચકચાર મચી જવા પામી હતી. પરતું મીડિયામાં આ પ્રકારના અહેવાલો પ્રકાશિત થયા બાદ અમદાવાદ ટ્રાફિક પોલીસે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોસ્ટ કરીને આ સમગ્ર મામલે ખુલાસો કર્યો છે. જેમાં અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા અહેવાલોના કટિંગ સાથે કારની તસવીરો મૂકીને ખુલાસો કરવામાં આવ્યો છે.
તેમજ આ પોસ્ટમાં કહેવામાં આવ્યું છે કે, આજરોજ વિવિધ સમાચારપત્રો અને સોશિયલ મિડિયામાં વહેતા થયેલ સમાચાર ખોટા હોય. અફવામાં ધ્યાન આપવું નહીં. એ જ સાથે મીડિયામાં પ્રકાશિત થયેલા અહેવાલો પ્રમાણે, ગુનામાં વપરાયેલી જગુઆર કાર છોડાવવા રજિસ્ટ્રાર સામે કોઇ સોગંદનામું કર્યા વગર જ મુદ્દામાલ તરીકે છોડાવી ગયો હતો. જગુઆર કારના મૂળ માલિક ક્રીશ વારિયાની ખોટી સહી કરીને મુદ્દામાલ પાછો મેળવવા ટ્રાયલ કોર્ટમાં અરજી કરાઇ હતી. જેને ટ્રાયલ કોર્ટે મંજૂરી આપી દેતા કાર કોઇ અજાણી વ્યક્તિ છોડાવી ગયું છે. જોકે, આ પ્રકારના અહેવાલો બાદ અમદાવાદ ટ્રાફિક પોલીસે ખુલાસો કરતાં જણાવ્યું કે, કાર હાલ પોલીસ કબ્જામાં છે.