ગુજરાતમાં છેલ્લા 10 દિવસમાં ખાણી-પીણીની ચીજ-વસ્તુઓમાંથી જીવ-જંતુ નીકળવાના છથી વધુ કિસ્સાઓ સામે આવ્યા છે. પરંતુ આ સિલસિલો હજુ અટકવાનું નામ ન લેતો હોય તેમ ગઈકાલે અમદાવાદમાં અથાણાંમાંથી મરેલી ગરોળી નીકળી હતી. શહેરના જોધપુર વિસ્તારમાં આવેલાં જૈન ગૃહઉદ્યોગમાંથી એક મહિના પહેલાં આ અથાણું ખરીદ્યું હતું અને રોજબરોજ ખાતા હતા. જેમાં એકદમ નીચેના ભાગે પહોંચતા તેમાંથી ગરોળી નીકળી હતી. આ અથાણાંના કારણે પરિવારને દર બે દિવસે ઝાડા-ઊલ્ટીની પણ અસર થતી હતી, જેનું કારણ અથાણાંથી ગરોળી હોવાનું ગઈકાલે સામે આવ્યું હતું.
અમદાવાદના આણંદનગરમાં રહેતા જોધપુરના રાવલ ફેમેલીને ખુબ ખરાબ અનુભવ થયો છે. ગૃહઉદ્યોગમાંથી લાવેલા અથાણામાંથી ગરોળી નીકળી છે.ગત 28 મેં ના રોજ વેજલપુરના શ્રેયસ કોમ્પલેક્ષમાં આવેલા જૈન ગૃહઉદ્યોગ માથી અથાણું ખરીદ્યુ હતું. અથાણું દરરોજ થોડું થોડું વપરાશમાં લેવાતું હતું ત્યારે ગઈકાલે અથાણું ખતમ થવા આવતા બરણીની આખરમાં આખી નાનકડી ગરોળી નીકળી હતી. તેમજ જણાવી દઈએ કે, અથાણાંના દરરોજના વપરાશના કારણે છેલ્લે એક મહિનાથી પરિવારને ઝાડ ઊલટીની અસર થઈ છે. તો બીજી બાજુ સરખેજના પાન પાર્લરમાંથી લીધેલી ઠંડા પીણાની બોટલમાંથી કાનખજુરો નીકળ્યો હોવાનો અહેવાલ સામે આવ્યા છે. ગ્રાહક દ્વારા વિડીયો બનાવીને વાયરલ થતા હકીકત સામે આવી છે. તેમજ ગ્રાહકે સરખેજમાં આવેલ ગંજ પાન પાર્લરમાંથી બોટલ લીધી હતી. આ ઠંડુ પીણું પીધા પછી તબિયત લથડી હોવાનો ગ્રાહકે દાવો કર્યો છે. મહત્વનું છે કે, હાલ તો એએમસીએ વિડીયોની આધારે પાન પાર્લર સીલ કર્યુ છે.