અમદાવાદ શહેરમાં તાજેતરમાં રથયાત્રા સંદર્ભે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વિસ્તારના પોલીસ ઇન્સ્પેક્ટર અને ડીસીપી સહિતના તમામ લોકો રક્તદાનની કામગીરી પૂર્ણ કર્યા બાદ ઓફિસમાં હાજર હતા. તે સમયે અહીંયા ભાજપના નેતા અને ડાયરાના કલાકારો પણ પહોંચ્યા હતા. તે સમયે એક કલાકારનો જન્મદિવસ હોવાથી સરકારી કચેરીમાં જ કેક કાપવામાં આવ્યો હોવાનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. જેથી આ વિવાદ ધણો ચર્ચામાં આવ્યો હતો જેથી હવે આ બાબતે પોલીસે પોતાનો બચાવ કરવા નવો ખુલાસો કર્યો છે તેમજ પોતાના આ લુલા બચાવમાં પોલીસે અખબારી યાદી જાહેર કરી છે.
અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં આવેલી F ડિવિઝનની કચેરીમાં થોડા સમય પહેલાં રક્તદાનનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં રક્તદાનની કામગીરી પૂર્ણ થયા બાદ અહીંયા ભાજપના નેતા અને સાંસ્કૃતિક વિભાગમાં યોગેશ ગઢવી અને તેમની સાથે સ્થાનિક કાર્યકર અને ભાજપના કાર્યકર હિમાંશુ ચૌહાણ પણ હાજર હતા. આ સમયે ઓફિસની અંદર DCP ઝોન 4 કાનન દેસાઈ આ ઝોનના તમામ પોલીસ ઇન્સ્પેક્ટર હાજર હતા. અહીંયા ટેબલ પર ત્રણ કેક પડેલી દેખાય છે. જે કેક કટ કરવામાં આવે છે. તે સમયે ભાજપના કાર્યકર હિમાંશુ ચૌહાણનો પણ જન્મદિવસ હતો અને તેના બર્થ ડેનું સેલિબ્રેશન પણ થયું હોવાની વાતો વહેતી થઈ છે. ત્યારે સામાન્ય વ્યક્તિનો જન્મદિવસ અધિકારીની કચેરીમાં કઈ રીતે ઉજવાયો તે અંગે અનેક પ્રશ્નો ઉભા થયા છે.આ અંગે પોલીસ દ્વારા એક સ્પષ્ટતા કરવામાં આવી છે અમદાવાદની પોલીસે આ બાબતે પોતાની અખબાર યાદી બહાર પાડી છે અને તેમા કહેવામાં આવ્યું છે કે, આ સેલિબ્રેશન રક્તદાન શિબિરનું હતું. જન્મદિવસનું નહીં એટલે પોતાનો બચાવ કરવાનો પોલીસ દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યો હોવાનું પણ હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યું છે.