VADODARA Harani Lake Zone: વડોદરાના અરેરાટીભર્યા હરણી લેક ઝોન બોટ દૂર્ઘટનાના મામલે મહત્વના સમાચાર મળી રહ્યા છે. હરણી બોટ દુર્ઘટના મામલે હાઇકોર્ટમાં સુનાવણી યોજાઇ હતી જેમાં એડવોકેટ જનરલ દ્વારા રાજ્ય સરકાર વતી હાઇકોર્ટમાં જવાબ રજૂ કરાયો હતો. જો કે સુનાવણીમાં હાઇકોર્ટે સ્પષ્ટ કહ્યું હતું કે એક સ્ટોરીની જેમ સમગ્ર રિપોર્ટ તૈયાર કરાયો છે અને આ રિપોર્ટ પાછો નહીં ખેંચો તો અમે સખત ઓબ્ઝર્વેશન સાથે ઓર્ડર પાસ કરીશું. હાઇકોર્ટના આકરા વલણ બાદ એડવોકેટ જનરલે તપાસ અહેવાલ પાછો ખેંચ્યો હતો.
ગુજરાત હાઇકોર્ટમાં આજે વડોદરા હરણી બોટકાંડ મામલે સુનાવણી હાથ ધરવામાં આવી છે. આ મામલે હાઇકોર્ટે તપાસ કમિટી સામે લાલ આંખ કરી છે. જેમાં હાઇકોર્ટમાં આજે તપાસ રિપોર્ટ રજુ કરવામાં આવ્યો હતો. આ સમગ્ર મામલે હાઇકોર્ટે કહ્યું હતું કે, કોર્ટને રિપોર્ટ સોંપાય તો વ્યવસ્થિત રિપોર્ટ તૈયાર કરવો. આ રિપોર્ટમાં એવું લાગે છે કે નાના અધિકારીઓને જ જવાબદાર બનાવવામાં આવ્યા છે અને મોટા અધિકારીઓને છાવરવામાં આવી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. જો આ હક્કીકત છે તો સમગ્ર સિસ્ટમ ખામીયુક્ત છે. હવે જોવાનું રહ્યું કે આ મામલામાં કોને કોને સજા થાય છે.