અમદાવાદ: ભગવાન જગન્નાથજીની 147મી રથયાત્રા આગામી 7 જુલાઇના રોજ નીકળવાની છે. જેને પગલે સુરક્ષા વ્યવસ્થાને લઈને પોલીસ દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. તો દેશમાં હાથરસમાં બનેલી ભાગદોડની ઘટનામાં 121 લોકોના મોત થયાની ઘટના હાલ તાજી છે. ત્યારે રથયાત્રાને લઈને અમદાવાદ પોલીસ પણ સતર્ક બની ગઈ છે. રથયાત્રાની શરૂઆતમાં જગન્નાથ મંદિરે મોટી સંખ્યામાં લોકોની ભીડ હોય છે અને સરસપુરમાં જ્યારે રથ પહોંચે છે ત્યારે પણ મોટી સંખ્યામાં લોકોની ભીડ હોવાનો અમદાવાદ પોલીસ કમિશનરે પણ સ્વીકાર કર્યો છે. ત્યારે હાથરસ જેવી ઘટના ન બને તેની ખાસ તકેદારી અમદાવાદ પોલીસ રાખવાની છે.
અમદાવાદના જમાલપુર જગન્નાથ મંદિરથી 7 જુલાઈના રોજ રથયાત્રાનો પ્રારંભ થશે. રથયાત્રામાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે શહેર પોલીસ દ્વારા પૂરતી તૈયારીઓ કરવામાં આવી રહી છે. ત્યારે રથયાત્રા પૂર્વે આજે જગન્નાથ મંદિરથી સરસપુર સુધી રથયાત્રા રૂટ પર રિહર્સલ કરવામાં આવ્યું હતું, જેમાં 15 હજારથી વધુ પોલીસે જવાનોએ ભાગ લીધો હતો. સાથે જ 1 હજારથી વધુ ટ્રાફિક પોલીસકર્મી પણ આ રિહર્સલમાં જોડાયા હતા. રાજ્યના અન્ય જિલ્લા અને શહેર પોલીસ રથયાત્રાના બંદોબસ્તમાં જોડાવાના છે. માહિતી મુજબ, આજની રિહર્સલ CP અને અન્ય ઉચ્ચ પોલીસ અધિકારીઓની હાજરીમાં યોજાઈ હતી.
સમગ્ર રથયાત્રા દરમિયાન મુવિંગ બંદોબસ્ત દ્વારા યાત્રારથ-ટ્રકો-અખાડા-ભજન મંડળીઓની સુરક્ષા માટે 4500 થી વધુ પોલીસકર્મીઓ તૈનાત રહેશે. તેમજ ટ્રાફિક નિયમન માટે 1931 કર્મીઓ 16 જેટલી ક્રેઇનની વ્યવસ્થા છે 47 લોકેશન્સ પરથી 96 કેમેરા, 20 ડ્રોન, 1733 બોડીવોર્ન કેમેરા દ્વારા લાઈવ મોનિટરિંગ થશે.
સાથે જ 16 કિલોમીટરના સમગ્ર યાત્રા રૂટ પર 1400 જેટલા CCTV કેમેરા તેમજ યાત્રા દરમિયાન ભક્તો-શહેરીજનોની મદદ માટે 17 જન સહાયતા કેન્દ્રો ઊભા કરાશે.
જણાવી દઈએ કે ગઈકાલે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનટની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાની સુરક્ષા મુદ્દે ચર્ચા કરાઈ હતી. આ બેઠકમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા હતા. રથયાત્રા સફળતાપૂર્વક કોઈ પણ અડચણ વિના પાર પડે તે માટે આ બેઠકમાં સુરક્ષાને લઈને કેટલાક મહત્ત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા.