રાજ્ય સરકાર દ્વારા જ્ઞાન સહાયકોની કરાર આધારિત ભરતી સામે ટેટ-ટાટ પાસ ઉમેદવારોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. જેને પગલે 18 અને 19 જૂન, 2024ના રોજ ગાંધીનગરમાં આક્રમક બનીને ઉમેદવારોએ આંદોલન કર્યું હતું. આ આંદોલના 24 જ કલાકમાં રાજ્ય સરકારે 7500 શિક્ષકોની ભરતી કરવાની જાહેરાત કરી હતી. ત્યાર બાદ આજે વધુ 17200 શિક્ષકોની ભરતીની જાહેરાત કરી છે. આ અંગે આજે મળેલી કેબિનેટની બેઠકમાં નિર્ણય લેવાયો છે. આમ બન્ને નિર્ણય મળીને 24700 શિક્ષકોની ભરતી થશે. રાજ્યમાં હાલ 42759 જગ્યા ખાલી છે જેમાં 24700 જગ્યા ભરી રહ્યા છે.
આગામી ઓગષ્ટ-2024થી ડિસેમ્બર-2024 દરમિયાન જુદી-જુદી સંભવિત તારીખોએ વિવિધ જગ્યાઓ પર અંદાજે 24,700થી વધુ શિક્ષકોની ભરતી પ્રક્રિયા માટેની જાહેરાત પ્રસિદ્ધ કરીને ભરતીની પ્રક્રિયા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ઋષિકેશ પટેલે આ મામલે કહ્યું હતું કે, ભરતી પ્રક્રિયાના સૂચિત કેલેન્ડર અનુસાર ગ્રાન્ટેડ શાળાઓમાં આચાર્યની 1200 જેટલી અંદાજિત સંખ્યા અને ગ્રાન્ટેડ શાળાઓમાં જુના શિક્ષકની અંદાજિત 2200 જેટલી જગ્યાઓ ભરવા માટે સંભવિત જાહેરાતની તા. 01/08/2024 રહેશે.
વધુમાં તેમણે જણાવ્યું કે, સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓ અને ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયકની કુલ મળીને અંદાજે 4000 જેટલી જગ્યાઓ જેમાં સરકારી ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સહાયક માટે 750 અને ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સહાયક માટે 3250 જગ્યાઓનો સમાવેશ થાય છે તેની સંભવિત જાહેરાતની તા. 01/09/2024 રહેશે. તેમજ આ ઉપરાંત સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયકની કુલ 3500 જગ્યાઓ માટેની જાહેરાતની સંભવિત તા.01/10/2024 રહેશે જેમાં સરકારી માધ્યમિક શિક્ષણ સહાયકની 500 જગ્યા અને ગ્રાન્ટેડ માધ્યમિક શિક્ષણ સહાયક (TAT SECONDARY પાસ ઉમેદવારો)ની 3000 જગ્યા માટે ભરતી જાહેરાત થશે.