Rajkot: શહેરમાં ખાણીપીણીના શોખીન લોકો માટે આજનો દિવસ માઠા સમાચાર લઈને આવ્યો છે. આજે શહેરના રેસ્ટોરન્ટો તેમજ અન્ય ખાણીપીણીની દુકાનો બંધ રહેશે. ખાણીપીણીના ધંધાર્થીઓ એક દિવસ માટે બંધ પાડીને રાજકોટ મહાનગરપાલિકા (RMC) સમક્ષ પોતાનો આક્રોશ વ્યક્ત કરશે.
રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડ (Rajkot Game Zone Fire) માં 27 નિર્દોષ લોકો જીવતા હોમાયા હતા. આ ઘટના બાદ રાજકોટ મહાનગરપાલિકા ગેરકાયદેસર અને મંજૂરી વગરનાં બાંધકામો સામે કાર્યવાહી શરૂ કરી છે.. જો કે, તેના વિરોધમાં રાજકોટમાં આજે ખાણી પીણી સાથે સંકળાયેલા વેપારીઓ બંધ પાળશે. વેપારીઓનો આરોપ છે કે મનપાના અધિકારીઓ ચોક્કસ વિગત વગર આડેધડ હોટેલ , રેસ્ટોરન્ડ, કાફે, અને પાર્ટી પ્લોટ, સહિતનાં એકમોને સિલ કરી રહ્યા છે અને વેપારીઓને ખોટી રીતે હેરાન કરી રહ્યા છે.
વેપારીઓનું કહેવું છે કે આ મામલે અગાઉ પણ મનપાને (RMC) અનેક વખત રજૂઆત કરવામાં આવી છે. પરંતુ, હજી સુધી કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. આથી, આજે મનપા અધિકારીઓની સિલિંગ કાર્યવાહી વિરુદ્ધ ખાણી પીણી સાથે સંકળાયેલા હોટેલ, રેસ્ટોરન્ટ, કાફે સહિતના ધંધાર્થીઓ એક દિવસ બંધ પાળશે અને ઊગ્ર વિરોધ દાખવશે. કેટલાક વેપારીઓએ જણાવ્યું કે, જ્યાં સુધી આ મુદ્દાનો યોગ્ય ઉકેલ નહીં આવે ત્યાં સુધી વિરોધ યથાવત રહેશે.