ગૌતમ ગંભીરને ભારતીય ક્રિકેટ ટીમના નવા મુખ્ય કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ગૌતમ ગંભીરના કોચિંગ હેઠળ ટીમ ઈન્ડિયા તેની પ્રથમ મેચ 27 જુલાઈએ શ્રીલંકા સામે રમશે. ટીમ ઈન્ડિયા 27 જુલાઈથી શ્રીલંકામાં 3 T20 અને 3 ODI મેચોની સિરીઝ રમશે. T20 વર્લ્ડ કપ 2024નો ખિતાબ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા ઝિમ્બાબ્વેના પ્રવાસે ગઈ છે, જ્યાં પૂર્વ ક્રિકેટર વીવીએસ લક્ષ્મણ કોચિંગની જવાબદારી સંભાળી રહ્યા છે. ટીમના કાયમી કોચ તરીકે નિયુક્ત થયેલા ગૌતમ ગંભીરની પ્રથમ કસોટી શ્રીલંકા પ્રવાસ પર થશે. આ પ્રવાસ પહેલા ગૌતમ ગંભીર પોતાના કોચિંગ સ્ટાફમાં બેટિંગ, બોલિંગ અને ફિલ્ડિંગ કોચ પણ રાખશે.
પારસ મ્ભામ્બરે ટી20 વર્લ્ડ કપ 2024ની ફાઈનલ મેચ સુધી ટીમ ઈન્ડિયાના બોલિંગ કોચ તરીકે સેવા આપી રહ્યા હતા. મુખ્ય કોચ રાહુલ દ્રવિડની સાથે ફાઈનલ મેચમાં પારસ મ્હામ્બરેનો કાર્યકાળ પણ સમાપ્ત થઈ ગયો છે. મુંબઈના રહેવાસી પારસ નવેમ્બર-2021થી ભારતીય ટીમના બોલિંગ કોચ તરીકે સેવા આપી રહ્યા હતા. જોકે, પારસને આંતરરાષ્ટ્રીય મેચોમાં માત્ર 2 ટેસ્ટ અને 3 વનડે મેચનો અનુભવ હતો. પારસે ટેસ્ટ મેચમાં માત્ર 2 અને ODI મેચમાં માત્ર 3 વિકેટ ઝડપી હતી.
ગૌતમ ગંભીરની ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ તરીકે નિમણૂક કરવામાં આવી છે. હવે ટીમના બેટિંગ, બોલિંગ અને ફિલ્ડિંગ કોચની શોધ શરૂ થઈ ગઈ છે. બોલિંગ કોચ માટે ટીમ ઈન્ડિયાના દિગ્ગજ ખેલાડીઓ ઝહીર ખાન, લક્ષ્મીપતિ બાલાજી અને વિનય કુમારના નામ સામે આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે ગૌતમ ગંભીર ઈચ્છે છે કે વિનય કુમાર ટીમ ઈન્ડિયાનો આગામી બોલિંગ કોચ બને. પરંતુ BCCI વિનય કુમારના સ્થાને ઝહીર ખાન અથવા લક્ષ્મીપતિ બાલાજીને બોલિંગ કોચ તરીકે નિયુક્ત કરવા પર વિચાર કરી રહી છે.