હવામાન વિભાગની આગાહી વચ્ચે સુરત, નર્મદા, ભરૂચ સહિતના અને વિસ્તારમાં મેઘરાજા મહેર કરી રહ્યા છે. હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં 16થી 20 જુલાઇ સુધી ભારે વરસાદનું અનુમાન છે. આ સાથે વરસાદની તીવ્રતાને જોતા હવામાન વિભાગે રાજ્યના છ જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ આપ્યું છે.
આ 6 જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ
ગુજરાતના વલસાડ, નવસારી, સુરતમાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તેમજ નર્મદા, ભરૂચ, છોટાઉદેપુરમાં વરસાદનું રેડ એલર્ટ છે. આ સાથે દમણ, દાદરા અને નગર હવેલીમાં વરસાદનું રેડ એલર્ટ હવામાન વિભાગે આપ્યું છે તેમજ હવામાન વિભાગે રાજ્યના 12 જિલ્લામાં વરસાદનું ઓરેંજ એલર્ટ તો અમદાવાદ જિલ્લામાં પણ વરસાદનું ઓરેંજ એલર્ટ છે
ઉમરપાડામાં 6 કલાકમાં જ ધોધમાર 14 ઈંચ વરસાદ
ગુજરાત માથે એકસાથે ત્રણ-ત્રણ સિસ્ટમ સક્રિય થતાં હવામાન વિભાગ દ્વારા રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે આજે સુરતના ઉમરપાડામાં આભ ફાટ્યું હતું. 6 કલાકમાં જ ધોધમાર 14 ઈંચ વરસાદ ખાબક્યો હતો, જેથી જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું, જ્યારે નર્મદાના ગરુડેશ્વરમાં પણ સવારે બે કલાકમાં 5 ઈંચ વરસાદ ખાબક્યો હતો.
અમદાવાદમાં લાંબા વિરામ બાદ આજે વરસાદની શરૂઆત
અમદાવાદમાં લાંબા સમયના વિરામ બાદ આજે વરસાદની શરૂઆત થઇ ગઇ છે તેમજ અમદાવાદ શહેરના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. શહેરના પશ્ચિમ વિસ્તારમાં કાળાં ડિબાંગ વાદળો છવાયાં હતાં. આ સાથે શહેરના ન્યુ રાણીપ, જગતપુરમ, ચાંદખેડા , પાલડી , SG હાઇવે સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ શરૂ થયો છે.શહેરના પૂર્વ વિસ્તારમાં હીરાવાડી, બાપુનગર, કુબેરનગર, સરદારનગર એરપોર્ટ વિસ્તારમાં પાણી ભરાયાં છે. તો બીજી તરફ નરોડા, સરદારનગર, કોતરપુર, એરપોર્ટ, ઇન્દિરાબ્રિજ સહિતના વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ પડી રહ્યો છે.