CM Nitish Kumar And Bihar News : બિહાર લાંબા સમયથી વિશેષ દરજ્જાની માંગ કરી રહ્યું છે. લોકસભા ચૂંટણી 2024 પછી જ્યારે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે ભાજપને સરકાર બનાવવા માટે સમર્થન આપ્યું હતું, ત્યારે બધાએ અનુમાન લગાવ્યું હતું કે કદાચ કેન્દ્ર સરકાર બદલામાં બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો આપશે. ગઈકાલે સર્વપક્ષીય બેઠકમાં બિહારે તેની જૂની માંગને પુનરાવર્તિત કરી, ત્યારબાદ આ મુદ્દો ફરીથી ચર્ચામાં આવ્યો. જો કે હવે બિહારની આ માંગ પર પાણી ફરી વળ્યું છે. બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો આપવાનું સીએમ નીતિશનું સપનું પૂરું નહીં થાય.
હકીકતમાં બિહારે સંસદમાં વિશેષ રાજ્યના દરજ્જાની માંગ ઉઠાવી હતી. નાણા રાજ્ય મંત્રી પંકજ ચૌધરીએ આ માંગ પર પ્રતિક્રિયા આપી છે. પંકજ ચૌધરીનું કહેવું છે કે નેશનલ ડેવલપમેન્ટ કાઉન્સિલ (NDC)ની બેઠકમાં સ્પેશિયલ સ્ટેટસ કેટેગરીની ચર્ચા થઈ ચૂકી છે. જે રાજ્યોને તેની જરૂર હતી તેમને આ દરજ્જો આપવામાં આવ્યો છે. વિશેષ દરજ્જો મેળવવા માટે રાજ્યોએ અમુક માપદંડો પૂરા કરવા પડે છે. બિહાર આ પરિમાણો પર બંધબેસતું નથી.
IMG એ પ્રસ્તાવને ફગાવી દીધો
નાણા રાજ્ય મંત્રી પંકજ ચૌધરીનું કહેવું છે કે બિહાર પહેલાથી જ વિશેષ રાજ્યના દરજ્જાની માંગ કરી ચૂક્યું છે. 30 માર્ચ 2012ના રોજ ઇન્ટર મિનિસ્ટરીયલ ગ્રુપ (IMG) એ બિહારની આ માંગ પર વિચાર કર્યો હતો. IMG એ નિષ્કર્ષ પર પહોંચ્યું કે બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો ન મળી શકે.
સર્વપક્ષીય બેઠકમાં આ માંગણી ઉઠી
ગઈકાલે સર્વપક્ષીય બેઠકમાં જેડીયુએ બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો આપવાની માંગ કરી હતી. જેડીયુની આ માંગને વિપક્ષી પાર્ટી આરજેડીએ પણ ટેકો આપ્યો હતો. આ સિવાય એલજેપી અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાને પણ આ માંગને યોગ્ય ઠેરવી હતી. જીતનરામ માંઝી પણ આ માટે સંમત થયા હતા. બિહાર બાદ ઓડિશા અને આંધ્રપ્રદેશે પણ કેન્દ્ર સરકાર પાસે વિશેષ દરજ્જાની માંગ કરી હતી.