Gujarat Rain: બંગાળની ખાડીમાં સર્જાયેલું લો પ્રેશર મધ્યપ્રદેશ થઈને ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે, જેથી રાજ્યના કેટલાક વિસ્તારોમાં 26મી જુલાઈ સુધી સતત 4 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જ્યારે આજે નખત્રાણામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. બજારોમાં નદીઓ વહેતી હોય એવું જોવા મળ્યું છે. ત્યારે કચ્છ જિલ્લામાં મધરાતથી મેઘરાજાએ અષાઢી માહોલની જમાવાટ કરી છે. નખત્રાણા અને અબડાસા ચાર ઇંચથી વધુ વરસાદથી જળમગ્ન બન્યું છે. જેને કારણે નખત્રાણાને જોડતા રસ્તાઓ પર ધસમસતા પાણીનો પ્રવાહ વહેતો થયો છે અને રસ્તાઓ બંધ થયા છે. નખત્રાણા-લખપત રોડ પર પણ નદીના ધસમસતા પાણી વહેતા રોડ બંધ થયો છે.
નખત્રાણા-લખપત-ભુજ રાજ્ય ધોરીમાર્ગ જળમગ્ન થયો છે. હાઇવે પર પાણી ફરી વળતા રોડ બંધ કરવાની ફરજ પડી છે. સવારે 4 કલાકથી રોડ બંધ રહેતા વાહન વ્યવહાર પણ અટવાયો હતો. હાઈવે બંધ રહેતા બહારથી આવતા પ્રવાસીઓ અટવાયા છે. જો કે, કુદરતના કહેર વચ્ચે માનવતા મહેંકી ઉઠી છે. ટોડિયા ગામ પાસે ગામના જ રહીશોએ પ્રવાસીઓ માટે ભોજનની વ્યવસ્થા કરી આપી છે. ભારે વરસાદ બાદ નખત્રાણામાં પસાર થતા વોકળામાં પૂરના પાણી આવતા ઘણા રોડ રસ્તા બંધ થયા છે. નખત્રાણા-લખપત-ભૂજ રોડ પર પણ વોકળાના પાણી ફરી વળ્યા છે. જેને કારણે હાઈવે બંધ કરવો પડ્યો છે.