Chandipura Virus: ગુજરાત(Gujarat)માં ચાંદીપુરા વાઇરસે હાહાકાર મચાવ્યો છે. ત્યારે હાલ રાજ્યમાં ચાંદીપુરા વાઇરસના કુલ કેસની સંખ્યા વધીને 101 થઈ છે તેમજ મૃત્યુઆંક 38એ પહોંચ્યો છે. અમદાવાદ(Ahmedabad)ની સોલા સિવિલ હોસ્પિટલમાં હાલમાં ચાંદીપુરા વાઇરસના શંકાસ્પદ બે કેસ નોંધાયા છે, જેમાં સાણંદની 1 વર્ષની બાળકી તથા કડીની 6 વર્ષીય એક બાળકીને સારવાર આપવામાં આવી રહી છે. બંને બાળકીના સેમ્પલ ગાંધીનગર ખાતેની લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે. જેમાં એક બાળકીના સેમ્પલ શનિવારે તથા અન્ય એક બાળકીના ગઈકાલે સેમ્પલ મોકલવામાં આવ્યા હતા.
આ ઉપરાંત રાજ્યમાં આરોગ્યતંત્ર દ્વારા રોગને કાબૂમાં લેવા માટે સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેમાં રાજ્યભરમાં 24,882 ઘરોમાં સર્વેલન્સવની કામગીરી હાથ ધરાઈ છે. રાજ્યમાં 4,16,715 ઘરોમાં દવા- પાવડરનો છંટકાવ કરાયો છે જ્યારે 62,270 ઘરોમાં સ્પ્રેઈંગ કરવાની કામગીરી કરવામાં આવી છે.
વાઇરલ એન્કેફેલાઇટિસ કે ચાંદીપુરા વાઇરસથી બચવા શું કરવું?
બાળકોને શકય હોય ત્યાં સુધી ખુલ્લા શરીરે ઘરની બહાર આંગણામાં (ધૂળમાં)રમવા દેવા નહિ.
બાળકોને જંતુનાશક દવાયુક્ત મચ્છરદાનીમાં સુવડાવવાનો આગ્રહ રાખવો.
સેન્ડફલાયથી બચવા ઘરની અંદર તથા બહારની દીવાલોની તિરાડો, છિદ્રોને પુરાવી દેવાં.
મચ્છર-માખીઓનો ઉપદ્રવ અટકાવવા સમયસર જંતુનાશક દવાનો છંટકાવ કરાવવો.
જો ઉપર જણાવેલાં લક્ષણો દેખાય તો તમારી નજીકના સરકારી દવાખાને દર્દીને તાત્કાલિક લઇ જઇ સારવાર કરાવવી.