Gujarat Rain: છેલ્લા 24 કલાકમાં મેઘરાજા ગુજરાત(Gujarat)માં મન મૂકીને વરસ્યા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 206 તાલુકામાં વરસાદ વરસ્યો છે. સુરતની ખાસ કરીને વાત કરવામાં આવે તો ત્યાં વરસાદ અનરાધાર વરસ્યો છે. સુરતના ઉમરપાડામાં 11 અને પલસાણામાં 10 ઇંચ વરસાદ ખાબકયો છે.નવસારી(Navsari)ના ખેરગામમાં 10 ઇંચ વરસાદ ખાબક્યો છે.જૂનાગઢના વિસાવદરમાં 9 ઇંચ વરસાદ વરસ્યો છે ત્યારે સુરતના કામરેજ, બારડોલીમાં સવા 8 ઇંચ વરસાદ વરસ્યો છે.
તેમજ વધુમાં આગળ દ્વારકા(Dwarka)ની વાત કરવામાં આવે તો ત્યાં પણ મેઘરાજાની ધમાકેદાર પધરામણી થઈ છે.દેવભૂમિ દ્વારકામાં છેલ્લા 24 કલાકમાં 8 ઇંચ વરસાદ નોંધાયો છે.ડાંગના વધઈમાં પણ સાડા 7 ઇંચ વરસાદ વરસ્યો હતો.તાપીના વ્યારા અને નવસારીના વાંસદામાં પણ 7 ઇંચ વરસાદ નોંધાયો હતો.જામનગરના જોડિયા,કચ્છના માંડવીમાં પણ 6 ઇંચ વરસાદ આવ્યો હતો.
સૌરાષ્ટ્રમાં દ્વારકા, જામનગર તેમજ દક્ષિણ ગુજરાતના સુરત પંથકને સતત ચોથા દિવસે મેઘરાજાએ ધમરોળ્યા હતા. દ્વારકામાં મંગળવારે 8 ઇંચ અને ભાણવડમાં 5 ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો. જ્યારે સરહદી કચ્છ જિલ્લા પર મેઘરાજા ફરીવાર મહેરબાન થયા હોય એમ માંડવીમાં 141 મીમી, નખત્રાણામાં 127 મીમી અને રાપરમાં 108 મીમી વરસાદ નોંધાયો હતો. આ સાથે જામનગરના જોડિયામાં 134 મીમી અને સુરતના પલસાણામાં 120 મીમી વરસાદ થયો હતો. તો આજે પણ હવામાન વિભાગે કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી આપી છે.
તેમજ અમદાવાદ જિલ્લાના ધોળકામાં 82 મીમી, નવસારીના ખેરગામમાં 79 મીમી, મુંદ્રામાં 78 મીમી, લખપત અને બારડોલીમાં 77, ડોલવણમાં 75, ગણદેવીમાં 74, ચોર્યાસી અને વ્યારામાં 71 મીમી, ભાણવડમાં 70 તેમજ સુરત શહેર અને કામરેજમાં 68 મીમી વરસાદ થયો છે. મહુવામાં 65, વાલોડમાં 60, વંથલીમાં 58, સુબીર અને વાંસદામાં 57, વઘઇમાં 56 મીમી વરસાદ નોંધાયો હતો.