વડોદરામાં ગઈકાલે મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી હતી. અનરાધાર વરસાદથી શહેર આખુ પાણી પાણી થઈ ગયું છે. સાડા તેર ઈંચ વરસાદ ખાબકી જતા વિશ્વામિત્રી નદીએ ભયજનક સપાટી વટાવી દીધી છે. તો બીજી બાજુ વિશ્વામિત્રી નદીના જળ સ્તર વઘતાં મગરો રસ્તા પર દેખાતા લોકોમાં ફફડાટ મચી ગયો છે. આ સાથે મોડી રાતે દશરથ ગામમાં મલાઇ તળાવ ફાટ્યું હતુ. આ ઘટનાને પગલે 40 ઝૂપડા પાણીમાં ગરકાવ થઇ ગયા છે.
વડોદરામાં વિશ્વામિત્રી નદીની ભયજનક સપાટી 26 ફૂટ છે, જ્યારે આજે સવારે 7.44 કલાકે વિશ્વામિત્રી નદીની સપાટી 27.19 ફૂટ નોંધાઈ હતી. નદીના સતત વધી રહેલાજળ સ્તરે તંત્રની ચિંતા વધારી છે. તેમજ વિશ્વામિત્રી નદીનું જળસ્તર ભય જનક સપાટી પર જતા તંત્ર એલર્ટ મોડ પર આવી ગયુ છે. ગઇકાલે રાતથી જ કાલાઘોડા બ્રિજ પર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. જો જળસ્તર વધે, તો કાલાઘોડા બ્રિજનો લોકોની અવર-જવર માટે બંધ કરવો પડે તેવી સ્થિતીનું સર્જન થશે.
આ સાથે શહેરમાં મોળી રાત સુધી નિચાણવાળા વિસ્તારના લોકોના સ્થળાંતરની પ્રક્રિયા ચાલી હતી. શહેરમાં ચોમાસું જામતાની સાથે જ રસ્તાઓ પર મગરોની લટાર પણ શરૂ થઇ ગઇ છે. તેમજ રાત્રે બે વાગે રસ્તા પર મગરની લટારનો વીડિયો ઘણો જ વાયરલ થયો છે. નરહરિ હોસ્પિટલ બહારના રસ્તા પર મગર આવી ચડતા લોકોમાં ફફડાટ મચી ગઇ હતી. વડોદરામાં ચોમાસું જામતાની સાથે જ રસ્તાઓ પર મગરોની લટાર પણ શરૂ થઇ ગઇ છે