Gujarat Rain: ગુજરાતના અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે ત્યારે નવસારીમાં 6 ઈંચથી વધુ વરસાદ ખાબકતા જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. તેમજ વિસ્તારની મોટાભાગની નદીઓ તોફાની બની છે. જેથી નીચાણવાળા વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે.ભારે વરસાદને લઈને પૂર્ણા, અંબિકા અને કાવેરી નદીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ છે. પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવી છે. નવસારીથી ગણદેવીને જોડતો સ્ટેટ હાઇવે બંધ કરાયો તેમજ અડદા ગામનું પાણી માર્ગ પર આવતા હાઈવે બંધ કરાયો
તેમજ નવસારીના અડદા ગામમાં પાંચ લોકો ફસાઈ જતા ફાયર વિભાગ દ્વારા તેમનું રેસ્ક્યૂ કરીને સુરક્ષિત સ્થળે ખસેડાયા હતા. ત્યારે નદીઓની જળ સપાટીમાં વધારો થતા તંત્ર એક્શન મોડમાં આવ્યું છે નીચાણવાળા અનેક વિસ્તારોમાંથી લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. તમને જણાવી દઇએ કે ભેંસદ ખાડા વિસ્તારના ઘરોમાં પાણી ભરાતા 150થી વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યાં હતા. તેમજ નવસારી જિલ્લામાં કુલ 74 રસ્તાઓ પાણીમાં ગરક થઈ જતા વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યા છે. જ્યારે 4 સ્ટેટ હાઇવે પર વાહન વ્યવહાર બંધ છે.
આજેની હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગ દ્વારા આજે ભાવનગર, સુરત, નવસારી, વલાસડ, દાદરા તથા નગર હવેલી અને દમણમાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે ગીર સોમનાથ, અમરેલી, બોટાદ, આણંદ, ભરૂચ, વડોદરા, નર્મદા, પંચમહાલ, છોટા ઉદેપુર, દાહોદ, તાપી અને ડાંગ જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે.