કુપવાડા. ભારતીય સૈનિકોએ ઉત્તર કાશ્મીરમાં એલઓસી પર મચ્છલ (કુપવાડા) સેક્ટરમાં પાકિસ્તાન આર્મીની બોર્ડર એક્શન ટીમ (BAT) દ્વારા કરવામાં આવેલા હુમલાને નિષ્ફળ બનાવ્યો છે. BATમાં સામેલ એક આતંકી માર્યો ગયો છે અને બે જવાન ઘાયલ થયા છે. પાકિસ્તાની સેનાના કમાન્ડો ઉપરાંત પાકિસ્તાન આર્મીની બેટ ટીમની ટુકડીઓમાં અલ-બદર, તહેરીકુલ મુજાહિદ્દીન, લશ્કર અને જૈશના આતંકવાદીઓ પણ સામેલ છે.
જમ્મુ-કાશ્મીરના કુપવાડા જિલ્લામાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે. શનિવારે સવારે કામકરી વિસ્તારમાં સર્ચ ઓપરેશન દરમિયાન સુરક્ષાદળોનો આતંકવાદીઓનો સામનો થયો, ત્યારબાદ બંને તરફથી ગોળીબાર શરૂ થયો. આ અથડામણમાં સેનાના ત્રણ જવાન ઘાયલ થયા છે. આઠ પાકિસ્તાની આતંકવાદીઓ છુપાયા હોવાની ગુપ્ત માહિતી મળ્યા બાદ સેનાએ આ સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. આતંકવાદીઓ જંગલોમાં ભાગી જવાની આશંકા છે. તેની શોધખોળ ચાલુ છે. અને સૈનિકોને વિસ્તાર તરફ મોકલવામાં આવ્યા છે.
આ પહેલા 24 જુલાઈના રોજ કુપવાડામાં આખી રાત સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. આ અથડામણમાં એક આતંકી માર્યો ગયો અને એક જવાન ઘાયલ થયો. ઘાયલ સૈનિકનું 25 જુલાઈએ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું. આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ 25 જુલાઈએ ઉત્તર કાશ્મીરમાં નિયંત્રણ રેખા પર આગળની ચોકીઓની મુલાકાત લીધી હતી. તેમણે સુરક્ષાની સ્થિતિની સમીક્ષા કરી હતી. જનરલ દ્વિવેદીની આ મુલાકાત એવા સમયે થઈ છે જ્યારે જમ્મુ-કાશ્મીરમાં તાજેતરના સમયમાં આતંકી હુમલામાં વધારો થયો છે. ખાસ કરીને જમ્મુ ક્ષેત્ર, જે સામાન્ય રીતે શાંતિપૂર્ણ અને સલામત માનવામાં આવે છે, આતંકવાદીઓએ આ વિસ્તારને નિશાન બનાવવાનું શરૂ કર્યું છે. 9 જૂનથી, જમ્મુ ક્ષેત્રમાં લગભગ એક ડઝન આતંકવાદી ઘટનાઓ પ્રકાશમાં આવી છે, જેમાં સૈનિકો પર હુમલા અને એન્કાઉન્ટરનો સમાવેશ થાય છે. જમ્મુ-કાશ્મીરમાં 740 કિલોમીટર લાંબી નિયંત્રણ રેખા પર સેના હાઈ એલર્ટ પર છે. ઇન્ટેલ એજન્સીઓએ ઘૂસણખોરીના અનેક પ્રયાસો અંગે ચેતવણી આપી છે. ગુપ્તચર માહિતી અનુસાર, PoK (પાકિસ્તાન અધિકૃત કાશ્મીર)માં નિયંત્રણ રેખાની નજીક આતંકી લોન્ચ પેડ્સ ખૂબ જ સક્રિય છે. આતંકવાદીઓ નાના જૂથોમાં પ્રથમ તકે ઘૂસણખોરી કરવા માંગતા હોય છે.