Gujarat Weather Update: હવામાન વિભાગે ગુજરાતમાં આગામી પાંચ દિવસ માટે વરસાદની આગાહી કરી છે. આજે હવામાન વિભાગની આગાહી પ્રમાણે દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં રેડ એલર્ટ પણ જાહેર કરાયું છે. આ સાથે સૌરાષ્ટ્ર, મધ્ય અને ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં અતિભારે વરસાદની પણ આગાહી કરી છે. આજે સવારે 12 વાગ્યા સુધીમાં એટલે કે 6 કલાકમાં 139 તાલુકામાં વરસાદ નોંધાયો છે.
ગુજરાતમાં ઓફશોર ટ્રફ અને સાઇક્લોન સર્ક્યુલેશનના લીધે રાજયના અલગ-અલગ વિસ્તારોમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગે ગુજરાતના સમુદ્રી વિસ્તારોમાં 45 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવવાનું અનુમાન કર્યું છે ત્યારે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ શરૂ થઇ ગયો છે. તેમ0A9C દક્ષિણ ગુજરાતના સુરત, નર્મદા, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ સહિત 6 જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત કચ્છ, મોરબી અને બનાસકાંઠામાં પણ અતિભારે વરસાદ વરસી શકે છે. તેમજ સુરેન્દ્રનગર, મહેસાણા, અમદાવાદમાં મધ્યમ વરસાદ વરસી શકે છે. તો ખેડા, પંચમહાલ, વડોદરા, આણંદ, બોટાદ, ભાવનગર, અમરેલીમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે ભરૂચ, છોટા ઉદેપુર, દીવ, ગીર સોમનાથ, દાહોદમાં છુટા છવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે વહેલી સવારથી જ અમદાવાદના કેટલાક વિસ્તારોમાં ઝરમર વરસાદ પડી રહ્યો છે. તો બીજી તરફ વાપીમાં 7 ઇંચથી વધુ વરસાદ ખાબકતાં વાપી જળબંબાકાર બની ગયું છે. ઠેર-ઠેર પાણી ભરાઇ ગયા છે.
24 કલાકમાં 97 તાલુકામાં વરસાદ
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 97 તાલુકામાં વરસાદ પડ્યો છે. જેમાં રાજ્યના માત્ર ઉચ્છલ અને છોટા ઉદેપુરમાં બે ઈંચ કરતા વધારે વરસાદ ખાબક્યો છે. રાજ્યમાં આજે સવારે પુરા થતા છેલ્લા 24 કલાકમાં ઉચ્છલમાં 2.3 ઈંચ, છોટા ઉદેપુરમાં 2.2 ઈંચ, આણંદમાં 1.85 ઈંચ, વડોદરામાં 1.5 ઈંચ, કુકરમુંડામાં 1.4 ઈંચ, સોનગઢમાં 1.3 ઈંચ, જાંબુઘોડામાં 1.25 ઈંચ, સાવલીમાં 1.25 ઈંચ, સુબીરમાં 1.1 ઈંચ વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત જેતપુર પાવી, વાઘોડિયા, હાલોલ અને નિઝરમાં એક ઈંચ વરસાદ નોંધાયો છે. આ સાથે જ અન્ય 84 તાલુકામાં સામાન્યથી એક ઈંચ વરસાદ ખાબક્યો હતો.