Bangladesh Violence: ભારત બાંગ્લાદેશ સંકટ પર ચાંપતી નજર રાખી રહ્યું છે. વિદેશ મંત્રી એસ જયશંકર (Jay Shankar) બાંગ્લાદેશને લઈને લોકસભા અને રાજ્યસભામાં બોલવાના છે. બપોરે 2.30 વાગ્યે રાજ્યસભામાં અને બપોરે 3:30 વાગ્યે લોકસભામાં બાંગ્લાદેશના મુદ્દા પર બોલશે. આ દરમિયાન તેઓ બાંગ્લાદેશમાં તખ્તાપલટને લઈને ભારતના વલણ પર નિવેદન આપશે. આ પહેલા આજે જયશંકરની અધ્યક્ષતામાં સર્વપક્ષીય બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહ, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ હાજરી આપી હતી. આ સાથે સંસદીય કાર્ય મંત્રીએ પણ આ બેઠકમાં ભાગ લીધો હતો.
વિદેશ મંત્રી એસ જયશંકરે બેઠકમાં બાંગ્લાદેશની વર્તમાન સ્થિતિ અંગે રાજકીય પક્ષોને માહિતી આપી હતી. જયશંરે કહ્યું કે બાંગ્લાદેશ ભારતનો ખાસ પાડોશી દેશ છે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના સંબંધો સારા રહ્યા છે. શેખ હસીના બાંગ્લાદેશથી ભાગીને ભારત આવી છે. તે અહીંથી બ્રિટન અથવા અન્ય કોઈ દેશમાં જઈ શકે છે.
શેખ હસીના અંગે ભારતનું વલણ શું છે? જો બાંગ્લાદેશમાં માર્શલ લૉ લાગુ થશે તો ભારત તેનો સામનો કેવી રીતે કરશે? બાંગ્લાદેશની અસ્થિરતાની ભારતીય અર્થવ્યવસ્થા પર શું અસર પડશે? ચીન અને પાકિસ્તાનની ભૂમિકા શું હશે? વિદેશ મંત્રી એસ જયશંકર આ બધા અંગે રાજકીય પક્ષોને માહિતી આપી શકે છે.
બાંગ્લાદેશમાં બળવાને લઈને સંસદમાં કોઈપણ નિવેદન આપતા પહેલા મોદી સરકાર તમામ પક્ષોને વિશ્વાસમાં લેવા માંગે છે. વિદેશ મંત્રી એસ જયશંકર બાંગ્લાદેશની સ્થિતિ પર લોકસભામાં નિવેદન આપવા જઈ રહ્યા છે.
સોમવારે રાત્રે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટી (CCS)ની બેઠક યોજાઈ હતી. બાંગ્લાદેશમાં તખ્તાપલટની ભારત પર શું અસર પડશે? આ મુદ્દા પર ચર્ચા કરવામાં આવી હતી. પીએમ મોદી સાથેની આ બેઠકમાં રક્ષા મંત્રી રાજનાથ સિંહ, ગૃહ મંત્રી અમિત શાહ, એસ જયશંકર અને નાણા મંત્રી નિર્મલા સીતારમણ હાજર રહ્યા હતા.