કેવડિયામાં ટ્રાઇબલ મ્યુઝિયમનું (tribal museum )બાંધકામ કરનારી એજન્સીના માણસોએ બે આદિવાસી યુવાનોને આખી રાત ગોંધી રાખીને ઢોર માર્યો હતો. તેમાં બુધવારે એક આદિવાસી યુવાનનું મૃત્યુ થયું હતું અને ગુરુવારે સારવાર દરમિયાન બીજા આદિવાસી યુવાનનું પણ મૃત્યુ થયું છે. બે યુવાનના મૃત્યુ બાદ આદિવાસી સમાજમાં ભારે રોષ ફેલાયેલો જોવા મળી રહ્યો છે. ત્યારે આ ઘટના અંગે આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા (chaitar vasava) પણ ભારે રોષમાં જોવા મળી રહ્યા છે. તેમજ લાગે છે આદિવાસીઓનો ખુશીનો પર્વ જાણે શોકમાં ફેરવાઇ ગયો છે.
જાણકારી મુજબ કેવડિયા ખાતે ટ્રાઇબલ મ્યુઝિયમ બની રહ્યું છે. તેની બાજુના કેવડિયા અને ગભાણા ગામના બે યુવાનો ત્યાં મુખ્ય રસ્તા પરથી પસાર થતા હતા. ત્યારે, ટ્રાઈબલ મ્યુઝિયમનું બાંધકામ કરનારી એજન્સીના માણસો એ બે યુવાનોને મ્યુઝિયમ બાંધકામના સ્થળ પર લઈ જઈ, કપડા કાઢી, બાંધી અને ગોંધી રાખીને આખી રાત ઢોર માર માર્યો હતો…આ દરમિયાન બે યુવાનોમાંથી એક યુવાનનું મૃત્યુ થયું હતું. અને એક યુવાન રાજપીપળા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ હતો .નર્મદા જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુબેએ ઘટનામાં 6 આરોપીની ધરપકડ કરી હત્યા, હત્યાનો પ્રયાસ, રાયોટિંગ અને એક્ટ્રોસિટીની કલમ દાખલ કરી તપાસ DYSP ને સોપાઈ છે. ત્યારે ચૈતર વસાવાએ આદિવાસી વિસ્તારોમાં બહારથી આવનાર એજન્સીઓને બચાવવા, કાયદેસરની કાર્યવાહી માટે ફરિયામાં 5 મજૂરો અને સુપરવાઇઝરનું નામ નાખીને પોલીસ દ્વારા ભીનું સંકેલવાનો પ્રયાસ કરી રહી હોવાનો આક્ષેપ કર્યો હતો. સાથે જ પીડિતના પરિવારને મદદ ન કરાઇ, ન્યાય ન મળે અને દોષીતો પર કાર્યવાહી ન થાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાની પણ ના પાડી દીધી હતી.
આજે એટલે કે શુક્રવારે વિશ્વ આદિવાસી દિવસે જ કેવડિયા અને ગરૂડેશ્વર બંધનું એલાન ચૈતર વસાવા દ્વારા આપવામાં આવ્યું છે..તેમજ દેડિયાપાડાના ધારાસભ્યે વિશ્વ આદિવાસી દિવસને આક્રોશ દિવસ તરીકે મનાવવાની જાહેરાત કરતાં હાલ પોલીસ તંત્રમાં દોડધામ જોવા મળી રહી છે. બુધવારે રાજપીપળા સિવિલમાં સારવાર માટે ખસેડાયેલાં સંજય તડવીની પૂછપરછ બાદ પોલીસે 6 આરોપી સામે ગુનો નોંધી તેમની ધરપકડ કરી હતી. ગુરૂવારે સંજય તડવીએ પણ આખરી શ્વાસ લીધા હતાં. એસપી પ્રશાંત સુમ્બેના જણાવ્યા મુજબ આદિવાસી મ્યુઝિયમમાં બનેલી ઘટનાને પગલે 6 લોકોની ધરપકડ કરી છે. હજુ કોઈ આ કેસમાં સંડોવાયેલા જણાશે તો તેની પણ આરોપી તરીકે નામ ઉમેરવામાં આવશે. તેમજ પોલીસ બિલકુલ પારદર્શક તપાસ કરશે મૃતક પરિવારને બિલકુલ અન્યાય નહીં થવા દઈએ તેવી બાંહેધરી પણ એસપી પ્રશાંત સુમ્બેએ આપી છે તેમજ આજનો આદિવાસીઓનો ખુશીનો પર્વ જાણે શોકમાં ફેરવાઇ ગયો છે તેમ લાગી રહ્યું છે બે પરિવારે પોતાના દિકરાને ખોઇ બેઠા છે તેમજ આદિવાસી પરિવારને ન્યાય અપાવવા ચૈતર વસાવા મેદાને આવ્યા છે..