ગુજરાતમાં ભાજપનો પાપનો ધડો ભરાઇ ગયો ના નારા સાથે આજથી કોંગ્રેસની ન્યાયયાત્રાની શરૂઆત થઇ ગઇ છે તેમજ આજે મોરબી ખાતેથી વહેલી સવારથી આ ન્યાયતયાત્રાની શરૂઆત થઇ છે.. જે ગુજરાતના 5 જિલ્લા મોરબી, રાજકોટ, સુરેન્દ્રનગર, અમદાવાદ અને ગાંધીનગરમાંથી પસાર થઈને 300 કિમીનો પ્રવાસ ખેડશે. છેલ્લા વર્ષોમાં ગુજરાતમાં બનેલ મોટી દુર્ઘટનામાં સામાન્ય લોકો હોમાયા છે જો કે, એકપણ ઘટનામાં લોકોને ન્યાય મળેલ નથી જેથી કરીને લોકોને ન્યાય અપાવવા માટે આ ગુજરાત ન્યાયયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. તેમજ મોરબીના દરબારગઢ ચોક ખાતે વિધાનસભાના વિપક્ષના નેતા અમિત ચાવડા, પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ અને ધારાસભ્ય જિગ્નેશ મેવાણી. પ્રગતિ આહીર, અમીબેન વગેરે કોંગ્રેસના આગેવાનો સહિત પીડિત પરિવારોએ હાજર રહી આ ન્યાય યાત્રાની શરૂઆત કરી છે.
વડોદરા હરણી બોટ કાંડ, મોરબી બ્રીજ કાંડ, રાજકોટ ગેમઝોન અગ્નિકાંડ, કાંકરિયા રાઈડ કાંડ, તક્ષશિલા આગ કાંડ જેવા અનેક બનાવો બનેલ છે. જેમાં ગુજરાતના નિર્દોષ નાગરિકો ભોગ બન્યા છે. જે લોકોનો ભોગ લેવાયો તેમના પરિવારને ન્યાય મળી રહ્યો નથી અને આરોપીઓને સજા પણ કરવામાં આવી રહી નથી. જેથી આ ઘટનાઓમાં ભોગ બનેલા પીડિત પરિવારોને ન્યાય અપાવવા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા ગુજરાત ન્યાયયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે
ભાજપના ભ્રષ્ટ્રાચારના પાપનો ઘડો
કોંગ્રેસે ન્યાય યાત્રામાં આગળ એક ગાડીમાં સાથે એક ઘડો રાખ્યો છે, જેમાં લોકો પોતાના પ્રશ્નો અને રજૂઆત રજૂ કરી શકશે અને કોંગ્રેસે આ ઘડાને ‘ભાજપના ભ્રષ્ટ્રાચારના પાપનો ઘડો’ નામ આપ્યું છે. એમાં લોકો તેમના પ્રશ્નો નાખશે અને છેલ્લે આ ઘડો ફોડીને ભાજપનો પાપનો ઘડો ભરાઈ ગયો હોવાનો સંદેશ આપવામાં આવશે
મૃત:પ્રાય બનેલી કોંગ્રેસમાં પ્રાણ ફૂંકાયા
‘તમને આ વખતે ગુજરાતમાં હરાવીશું, તમને આ વખતે વિરોધ પક્ષ INDIA ગઠબંધન ગુજરાતમાં હરાવવા જઈ રહ્યું છે.’ સંસદમાં રાહુલ ગાંધીએ આ નિવેદન આપ્યું ને ગુજરાતમાં મૃત:પ્રાય બનેલી કોંગ્રેસમાં પ્રાણ ફૂંકાયા છે. રાહુલ ગાંધીએ સંસદમાં આપેલા નિવેદન બાદ અચાનક જ ગુજરાત કોંગ્રેસમાં એક નવી ઊર્જા જોવા મળી રહી છે.