Gujarat Weather Update: હવામાન વિભાગની (Meteorological Department) આગાહી પ્રમાણે ઉત્તર ગુજરાતમાં આગામી દિવસો સુધી સામાન્ય હળવા વરસાદની શક્યતા છે. ત્યારે ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 136 તાલુકામાં વરસાદ (Rain) નોંધાયો છે. જેમાં સૌથી વધુ છોટા ઉદેપુરમાં 2.32 ઈંચ, વડોદરામાં 2 ઈંચ, આણંદના ખંભાતમાં 1.96 ઈંચ અને ખેડાના ગળતેશ્વરમાં 1.65 ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે 115 તાલુકામાં એક ઈંચ કરતા પણ ઓછો વરસાદ નોંધાયો હતો. આ દરમિયાન આજે (10મી ઑગસ્ટ) સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી, મહીસાગરમાં ભારે વરસાદની શક્યતા છે.
હવામાન વિભાગ દ્વારા આગામી ચાર દિવસ સમગ્ર ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે, એટલે કે આગામી પાંચ દિવસ સમગ્ર ગુજરાત રાજ્યમાં સાર્વત્રિક વરસાદ(Rain) વરસી શકે છે. આ સાથે જ રાજ્યના કેટલાક ભાગોમાં ભારે વરસાદ પણ થઈ શકે છે. હવામાન વિભાગની માહિતી પ્રમાણે (Meteorological Department) રાજસ્થાન તરફથી આવતા મોન્સૂન ટ્રફને કારણે ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં આજે ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આ ઉપરાંત આગામી ત્રણ દિવસ સમગ્ર ગુજરાત રાજ્યમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. અમદાવાદ અને ગાંધીનગર સહિત આસપાસના જિલ્લાઓમાં પણ આજે ગાજવીજ સાથે હળવો વરસાદ વરસી શકે છે. તેમજ દરિયાકાંઠાના વિસ્તારોમાં 35થી 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાને કારણે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.