અમરેલી જિલ્લામાં રેલવે ટ્રેક ઉપર વધુ એક સિંહણનો અકસ્માત સર્જાયો છે. સાવરકુંડલા તાલુકાના વિજપડી ગામ નજીક રેલવે સ્ટેશનથી આગળ ટ્રેક ઉપર વહેલી સવારે ગુડ્સ ટ્રેન પસાર થતી વખતે આશરે 6 વર્ષની સિંહણ ક્રોસ થતા સિંહણ ઈજાગ્રસ્ત થઇ હતી. જેથી વનવિભાગની ટીમ ઘટના સ્થળે પોહચી સિંહણને રેસ્ક્યૂ કરી બચાવી સારવાર માટે એનિમલ કેર સેન્ટરમાં ખસેડી હતી.
ગુડ્સ ટ્રેનની ટક્કર વાગતા સિંહણ બાજુની બાવળની ઝાડીમાં બેસી ગઈ હતી, ચાલી શકે તેમ ન હતી. જેથી વનવિભાગ દ્વારા ઝડપથી રેસ્ક્યૂ કરી બચાવી લેવાઇ હતી. હાલ સારવાર ચાલી રહી છે. વર્ષ 2024 શરૂઆતમાં પ્રથમ ઘટના સામે આવતા સિંહપ્રેમીઓમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. સમગ્ર ઘટના અંગે વનવિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
આ અંગે ગીર પૂર્વ ડી.સી.એફ.રાજદીપ સિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, વહેલી સવારે સિંહણને ટ્રેનની ટક્કર વાગી હતી. સિંહણને બચાવી લીધી છે. વનવિભાગની ટીમ ઘટના સ્થળે જ છે તપાસ શરૂ છે.