આઇસીસી વર્લ્ડકપમાં ભારત અને પાકિસ્તાન મેચ બાદ ફરી એકવાર અમદાવાદની મોટા ભાગની હોટલો હાઉસફુલ થઈ ગઈ છે. અમદાવાદ અને ગાંધીનગરની મોંઘી હોટલોમાં એક રૂમનું ભાડું દોઢ લાખ રૂપિયાને આસપાસ પહોંચી ગયું છે. 9થી 12 જાન્યુઆરી દરમિયાન હોટલોની ડિમાન્ડ એટલી વધારે છે કે લોકોને રૂમ નથી મળી રહ્યા તો વડોદરાની હોટલોમાં રોકાણ કરવાનો પ્લાન બનાવી રહ્યા છે. વાઇબ્રન્ટ સમિટની પાછળ પાછળ જ ઉત્તરાયણનો તહેવાર પણ આવી રહ્યો છે જેના કારણ માંગ વધુ છે.
વાઇબ્રન્ટ સમિટમાં સામેલ થવા માટે કોર્પોરેટ જગતના લોકોને છેલ્લી ઘડીએ હોટલમાં રૂમ મળવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. નોંધનીય છે કે પ્રધાનમંત્રી મોદી પણ વાઇબ્રન્ટ સમિટમાં સામેલ થવા અને 9 અને 10મી જાન્યુઆરીએ ગુજરાતમાં રહેશે. અમદાવાદ અને ગાંધીનગરની થ્રી સ્ટાર હોટલના ભાડા 20 હજારથી દોઢ લાખ રૂપિયા સુધી પહોંચી ગયા છે જ્યારે ફાઇવ સ્ટાર હોટલમાં સુઈટ બે લાખ રૂપિયામાં મળી રહ્યા છે. ચાર વર્ષ બાદ આયોજિત સમિટમાં ભાગ લેવા માટે દેશ અને વિદેશના 70 હજાર લોકોએ નોંધણી કરાવી છે અને એક લાખથી વધુ લોકો અમદાવાદ અને ગાંધીનગરના મહેમાન બનવા જઈ રહ્યા છે.
ગુજરાતના મહેમાન બનતા લોકોને આસપાસના ફરવા લાયક સ્થળોની પણ જાણકારી આપવામાં આવશે. ગુજરાત સરકાર તરફથી રસજીસ્ટર્ડ ડેલિગેટ માટે ખાસ હોટલોમાં રોકાણની વ્યવસ્થા કરવામાં આવી છે જેમાં કોર્ટીયાડ મેરિયટ, ક્રાઉન પ્લાઝા, ફેરફિલ્ડ મેરિયટ, ફોર્ચ્યુન લેન્ડમાર્ક, હયાત અમદાવાદ, નૉવેટેલ, પ્રાઈડ પ્લાઝા, રેડિસન બ્લૂ જેવી સેવન સ્ટાર હોટલો સામેલ છે.
સમિટમાં દુનિયાભરમાં દિગ્ગજ ઉદ્યોગપતિઓ અને રોકાણકારો ગુજરાત આવી રહ્યા છે. છેલ્લા બે દાયકાથી દર બે વર્ષે આ સમિટનું આયોજન કરવામાં આવે છે, જોકે કોરોના વાયરસના વિઘ્નના કારણે આ વખતે ચાર વર્ષ બાદ સમિટ યોજાઇ રહી છે. છેલ્લી સમિટ 2019માં યોજાઇ હતી. પ્રધાનમંત્રી મોદી જ્યારે ગુજરાતનાં મુખ્યમંત્રી હતા ત્યારે ગુજરાતમાં ઉદ્યોગોને આકર્ષવા માટે આ સમિટની શરૂઆત કરાવી હતી.