દેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના જેલવાસને લઇને તેમના સમર્થનમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને આજે ભરૂચના નેત્રંગમાં વિશાળ રેલી અને જનસભાને સંબોધન કર્યું હતું. જેમાં દિલ્હીના મુખ્યમંત્રીએ ગુજરાતની ભાજપ સરકારને આદિવાસી વિરોધી ગણાવી હતી. તો આગામી લોકસભા ચૂંટણી માટે ભરૂચ બેઠક પરથી ચૈતર વસાવાને ઉમેદવાર જાહેર કર્યા છે. જેમાં તેમણે આદિવાસી સમાજને ટકોર કરતાં જણાવ્યું કે, ચૂંટણી પહેલા ચૈતર વસાવા જેલની બહાર ન આવે તો તેને જીતાડવાની જવાબદારી તમારી છે. આ લડાઈ આદિવાસીઓના સન્માનની લડાઈ છે.
નેત્રંગમાં જંગી જનમેદનીને સંબોધતા દિલ્હીના મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, હું દિલ્હીથી આવ્યો છું અને પંજાબના મુખ્યમંત્રી પણ મારી સાથે આવ્યા છે. આવતીકાલે અમે સરકારની પરવાનગી લઈને ચૈતર વસાવાને જેલમાં મળવા માટે જઈશું અને પ્રજાનું સમર્થન હોય તો અમે પ્રજાનો સંદેશો ચૈતર વસાવાને પહોંચાડીશું કે ચૈતર વસાવાની સાથે સમગ્ર ગુજરાતનો આદિવાસી સમાજ ઊભો છે.
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે, ચૈતર વસાવા આવનાર લોકસભાની ચૂંટણીના આમ આદમી પાર્ટીના ભરૂચ લોકસભા બેઠકના સત્તાવાર ઉમેદવાર રહેશે. અરવિંદ કેજરીવાલે કહ્યું કે, 30 વર્ષથી ભાજપનું રાજ છે ભાજપે આદિવાસીઓ માચે કંઇ જ કર્યું નથી. ચૈતર વસાવાની પત્નીની ધરપકડ એટલે આદિવાસી સમાજની વહુનું અપમાન એવું કહેવાય અને આ અપમાનનો બદલો આદિવાસી સમાજ જરૂરથી લેશે. ચૈતર વસાવાને મંત્રીપદની ઓફર હતી પણ ચૈતરે સમાજને છોડ્યો નથી