તાજેતરમાં જીએસટી ટેક્સચોરી પકડવા માટે સમગ્ર દેશમાં સ્પેશિયલ ડ્રાઇવ ચલાવવામાં આવી હતી. આ ડ્રાઇવ દરમિયાન દરેક રાજ્યમાંથી કરોડો રૂપિયાની ટેક્સચોરી ઝડપી પાડવામાં આવી હતી. રાજ્યસભામાં સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ જીએસટી કરચોરીમાં સમગ્ર દેશમાં ગુજરાત ત્રીજા ક્રમે આવ્યું છે. સૌથી વધારે ટેકસચોરી મહારાષ્ટ્ર, હરિયાણા બાદ ગુજરાતમાં રૂ.12 હજાર કરોડની ઝડપી પાડવામાં આવી છે.
દેશમાં ગુડસ એન્ડ સર્વિસ ટેક્ષ (જીએસટી)માં બોગસ બીલીંગ અને ઈનપુટ ટેક્ષ ક્રેડીટમાં ગોલમાલ સહિતના કારણે ચાલી રહેલી વ્યાપક કરચોરી સામે આકરા પગલા લેવામાં આવી રહ્યા છે. સમગ્ર દેશમાં જીએસટી ટેકસ ચોરીના આંકડા જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં ઓકટોબર માસ સુધીમાં સમગ્ર દેશમાં રૂ. 1.50 લાખ કરોડની ટેક્સ ચોરી ઝડપી પાડવામાં આવી હતી. ગત વર્ષ કરતા રૂ. 20 કરોડ વધારે ટેકસ ચોરી ચાલું વર્ષે ઝડપાઇ હતી. આ ટેકસ ચોરીમાં રાજ્ય પ્રમાણે જોવા જઇએ તો મહારાષ્ટ્રમાં રૂ. 84,414 કરોડની ટેક્સ ચોરી કરીને મોખરે રહ્યું હતું.
બીજા ક્રમે હરિયાણા રૂ. 13,795 કરોડની ટેક્સ ચોરી ઝડપવામાં આવી હતી. જ્યારે ત્રીજા ક્રમે ગુજરાત દ્વારા રૂ. 12,067 કરોડની ટેકસ ચોરી ઝડપી પાડવામાં આવી હતી. ચોથા ક્રમે તેલંગાણાં રૂ. 11,615 કરોડની ટેકસ ચોરી અને પાંચમાં ક્રમે કર્ણાટક રૂ. 5043 કરોડની ટેકસ ચોરી ઝડપી પાડવામાં આવી હતી. આમ પ્રથમ પાંચ રાજ્યોમાં ટેકસ ચોરીમાં ગુજરાતનો નંબર ત્રીજો આવ્યો છે.
દરેક રાજ્યો દ્વારા બોગસ બિલિંગ અને ઇનપુટ ટેક્સ ક્રેડિટમાં કરવામાં આવેલા કરચોરી ઝડપી પાડવા માટે સ્પેશિયલ ડ્રાઇવ ચલાવવામાં આવી હતી. હવે ડિપાર્ટમેન્ટ દ્વારા ખાસ બીટુસી ડ્રાઇવ ચલાવવામાં આવી રહી છે. જેમાં છુટક વેપારીઓ, સેમિ હોલસેલર તેમજ હોલસેલર દ્વારા બિલ વગર વેચવામાં આવતા માલ ઉપર તપાસ ચલાવવામાં આવી રહી છે.
આમ આ તપાસ બાદ કરચોરીના આંકમાં વધારો થશે. હાલમાં તો ડિપાર્ટમેન્ટ દ્વારા કરવામાં આવતા ખાસ ડ્રાઇવને લઇને વેપારીઓ અને કરદાતાઓમાં ભારે ફફડાટ ફેલાયો છે. આ સાથે જ વેપારીઓ દ્વારા કેવી કેવી યુક્તિઓ અજમાવવામાં આવે છે તેના પર પણ વિભાગ દ્વારા ખાસ નજર રાખવામાં આવી રહી છે. તેમજ કરચોરી મામલે વધુ કડક કાર્યવાહી કરવા માટે ઉચ્ચસ્તરેથી આદેશ આવ્યા હોવાથી મોટાપ્રમાણમાં તપાસનો દોર ચાલી રહ્યો છે.