લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ (Congress) ની સ્થિતિ એક સાંધે ત્યાં તેર તૂટે તેવી જોવા મળી રહી છે. એક તરફ જ્યા ભાજપ સતત મજબૂત બની રહી છે, તો બીજી તરફ કોંગ્રેસમાં નારાજગીના દૌર શરૂ થઇ ગયા છે. એક પછી એક કોંગી નેતાઓ પક્ષને છોડી ભાજપ (BJP) માં જોડાઇ રહ્યા છે. હજુ થોડા દિવસો પહેલા ગુજરાત કોંગ્રેસના વિજાપુરના ધારાસભ્ય સી.જે. ચાવડા (C.J.Chavda) એ રાજીનામું આપ્યું હતું. હજુ તો આ નેતાએ પક્ષનો ત્યાગ જ કર્યો છે કે સમાચાર આવ્યા હતા કે, પોરબંદરના કોંગ્રેસના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા (Arjun Modhwadia) ભાજપમાં જોડાઈ શકે છે. જોકે, આ અંગે તેમણે બાદમાં ખુલાસો કર્યો કે અફવાઓ છે અને તેના પર ધ્યાન આપવામાં ન આવે. સુત્રોની માનીએ તો ભલે અર્જુન મોઢવાડિયાએ પક્ષને છોડ્યો ન હોય પણ તે નારાજ છે તેવી ચર્ચાઓ સતત થઇ રહી છે.
કોંગ્રેસના દિગ્ગજ નેતા અર્જુન મોઢવાડિયા (Arjun Modhwadia) ની નારાજગીના સમાચાર વચ્ચે તેઓ કોંગ્રેસ ભવન (Congress Bhavan) પહોંચ્યા છે. જ્યા આજે ચૂંટણી સમિતિની વિશેષ બેઠક યોજાવાની છે. આ બેઠકમાં પ્રદેશ પ્રભારી મુકુલ વાસનિક, શક્તિસિંહ ગોહિલ, અર્જુન મોઢવાડિયા, વિમલ ચુડાસમા, અમિત ચાવડા, જ્ઞાસુદ્દીન શેખ સહિતના નેતાઓ પહોંચ્યા હતા. બેઠકનો મુખ્ય ઉદ્દેશ લોકસભાની ચૂંટણી (Loksabha Election) ને લઇને હોવાનું કહેવાઇ રહ્યું છે. બેઠકમાં લોકસભાની ચૂંટણીમાં ક્યાં મુદ્દાઓ મહત્વના રેહશે અને આગળની રણનીતિને કેવી રહેશે તે અંગે ચર્ચાઓ થશે. ગુજરાત કોંગ્રેસની પ્રદેશ ઈલેક્શન કમિટીની બેઠકમાં પ્રદેશ કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિકે (Mukul Wasnik) હાજરી આપી હતી. તેમણે મીડિયા સાથે લોકસભાની ચૂંટણીને લઇને વાત કરતા કહ્યું હતુ કે, આ બેઠકમાં અમે 26 લોકસભા બેઠક પરના ઉમેદવાર અંગે મંથન કરીશું. આ બેઠકમાં સમગ્ર વિષય પર ચર્ચા થયા બાદ પેનલ તૈયાર કરી દિલ્હી હાઇકમાન્ડને નામ મોકલીશું. તેમણે આગળ કહ્યું કે, ગુજરાતમાં 26 બેઠકો પર ઉમેદવારોની પસંદગીમાં તમામ લોકોની સલાહ લેવામાં આવશે.
કોંગ્રેસ પાર્ટીમાં એક પછી એક નેતાઓ છૂટા થઇ રહ્યા છે ત્યારે આ મુદ્દે મુકુલ વાસનિકે ભાજપ પર શાાંબ્દિક પ્રહાર કરતા કહ્યું કે, ભાજપ જે કરે છે તે રાજનીતિ લોકતંત્ર માટે નુકસાનકારક છે. તેમણે આગળ કહ્યું કે, અમારી પાર્ટીના જે પણ નેતાઓ અમારાથી અલગ થયા છે તેના ઘણા કારણો હોઇ શકે છે. ભાજપ પૈસાના દમ પર આવી રાજનીતિ કરી રહી છે, જે દેશ માટે યોગ્ય નથી. ભાજપની રાજનીતિ અહંકારભરી રહી છે. ગત 10 વર્ષમાં તેમણે શું કર્યું એનો તેમણે જનતાને હિસાબ આપવો જોઇએ. નારાજ નેતાઓ વિશે તેમણે કહ્યું કે, જે પણ અમારા નેતાઓ નારાજ છે તેમની સાથે અમે વાર્તાલાભ કરીને કોઇને કોઇ રસ્તો શોધી કાઢીશું.