વડોદરા હરણી તળાવ બોટ દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકોનાં ડૂબી જવાથી મોત થયાં હતાં. એ મુદ્દે ગુજરાત હાઇકોર્ટે સુઓમોટો પિટિશન હાથ ધરીને ગૃહ વિભાગના સેક્રેટરીને એક્શન ટેકન રિપોર્ટ સમક્ષ રજૂ કરવા હુકમ કર્યો છે. એ મુદ્દે ગુજરાત હાઇકોર્ટમાં 29 જાન્યુઆરીએ સુનાવણી છે. ઉપરાંત વડોદરા બોટ દુર્ઘટનામાં પીડિત પરિવારોએ સુપ્રીમ કોર્ટમાં પણ રિટ પિટિશન દાખલ કરી છે. ત્યારે આજે પીડિત પરિવારના 13 લોકો ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ ઉત્કર્ષ દવેને મળવા આવ્યા હતા, જેમાં એક માતાએ રડતાં રડતાં વિલાપ કર્યો હતો અને જણાવ્યું હતું કે ‘મારી દીકરી પાછી નહીં આવે, મને ન્યાય આપો, એકપણ આરોપીને જામીન ન મળવા જોઈએ’
આ દુર્ઘટનામાં ધોરણ 4માં અભ્યાસ કરતી ઝહાબિયાને ગુમાવનાર નાઝિયાએ જણાવ્યું હતું કે મેં મારી દીકરીને ગુમાવી છે એટલે ન્યાય માટે હું હાઇકોર્ટ આવી છું. હવે મારી દીકરી પરત મળે એમ નથી, પરંતુ મને ન્યાય જોઇએ છે. આરોપીને કોઈપણ સંજોગોમાં જામીન મળવા જોઈએ નહીં. આટલું કહેતાં નાઝિયા રડી પડી હતી.
આ દુર્ઘટનામાં મારો 10 વર્ષનો માસૂમ પુત્ર મૃત્યુ પામ્યો છે. વળી, આ દુર્ઘટના અંગે નોંધાયેલી પોલીસ ફરિયાદમાં આરોપી જ ફરિયાદી બન્યા છે. જ્યારે પીડિતોની ફરિયાદ નોંધાવી જોઈએ. જે ગુનેગારો પકડાયા છે તેમને જામીન મળવા જોઈએ નહીં. જો તેઓ જામીન અરજી મૂકશે તો પીડિત પરિવાર કોર્ટમાં પક્ષકાર બનીને એનો વિરોધ કરીશું. આ દુર્ઘટના માટે શાળાના ટ્રસ્ટી, પ્રિન્સિપાલ, વડોદરા મહાનગરપાલિકા ગુનેગાર છે. કોર્પોરેશન કમિશનર તદ્દન ગુનેગાર છે. તેમના પર કાર્યવાહી થવી જોઈએ.
જો નહીં પકડાયેલા આરોપીઓ આગોતરા જામીન અરજી મૂકશે તો એનો પણ કોર્ટમાં જવાબ અપાશે. સુપ્રીમ કોર્ટમાં અરજી કરવાનું કારણ કોઈપણ ગુનેગાર છૂટી ન જાય એ જોવાનું છે. એડવોકેટ ઉત્કર્ષ દવે મોરબીબ્રિજ દુર્ઘટનામાં પીડિતોને ન્યાય અપાવવામાં પ્રયત્નશીલ છે. તેમનો સંપર્ક થતાં અમે તેમને વકીલ તરીકે રોક્યા છે.