દારૂ એક સંવેદનશીલ વિષય છે, આપણાં ગુજરાતમાં પણ દાયકાઓથી દારૂબંધી લાગુ છે. થોડા વર્ષ પહેલા બિહારમાં પણ દારૂબંધી લાગુ કરવામાં આવી છે. જોકે દારૂ એક એવો વિષય છે જેમાં સરકારે સમજી વિચારીને નિર્ણય કરવો પડે છે. બિહારમાં ગુજરાતની જેમ જ દારૂબંધી તો લાગુ કરી દેવાઈ પણ જ્યારથી કાયદો આવ્યો છે ત્યારથી જ સરકાર સામે અનેક વાર સવાલો ઊભા થયા છે. આટલું જ નહીં કોઈ પણ સરકાર માટે દારૂ પર લાગતાં ટેક્સથી થતી આવક ખૂબ મહત્વપૂર્ણ હોય છે. નોર્થ-ઈસ્ટના રાજ્ય મણિપુરમાં ભારતીય જનતા પાર્ટીની સરકારે દારૂબંધીનો કાયદો ખતમ કરી દીધો છે. મણિપુરમાં છેલ્લા 30 વર્ષથી દારૂ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. જોકે હવે રાજ્ય સરકારની કેબિનેટ દ્વારા દારૂબંધી હટાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારની આવક વધારવા તથા ઝેરી દારૂ વેચાતો રોકવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. હવેથી મણિપુરમ દારૂનું નિર્માણ, ઉત્પાદન, નિકાસ, આયાત, પરિવહન, ખરીદી, વેચાણ અને પી શકાશે.
આ પહેલા સરકારે સપ્ટેમ્બર 2022માં આંશિક રૂપે દારૂબંધી પરથી પ્રતિબંધ હટાવ્યો હતો. જેમાં એવો નિયમ લાવવામાં આવ્યો હતો કે 20થી વધુ બેડ ધરાવતી હોટલોમાં દારૂ આપી શકાશે.
જોકે મણિપુરનો આ નિર્ણય જોયા બાદ હવે બિહારમાં પણ દારૂબંધી હટાવવા માટેની માંગ ઊભી થઈ ગઈ છે. CIABC એ બિહાર સરકારને માંગ કરી છે કે બિહારમાં પણ દારૂ પર પૂર્ણ પ્રતિબંધ હોવો જોઈએ નહીં. CIABC ના વિનોદ ગિરિએ કહ્યું કે મણિપુરની સરકારે એક પોઝિટિવ નિર્ણય કર્યો છે. જેનાથી રાજ્ય સરકારને 700 કરોડથી વધુની આવક પણ થશે અને સાથ સાથે ઝેરી દારૂ વેચાતો બંધ થઈ જશે. આ મામલે બિહાર સરકારના મંત્રી સુનિલ જવાબ આપ્યો કે દારૂબંધી કરવી એક નીતિગત નિર્ણય હતો જેને પાછો લઈ શકાય નહીં