ગુજરાત અત્યારે પ્રગતિના પંથે છે. ભારતના ગ્રોથ એન્જિન તરીકે ઓળખવામાં આવે છે. વાઈબ્રન્ટ બાદ ગુજરાતનો વિકાસ વાયુવેગ થઈ રહ્યો છે. ગુજરાતના દરેક ગામોમાં અત્યારે વિકાસ કરવા માટે ગુજરાત સરકારે યોજનાઓ બનાવી છે. પ્રધાનમંત્રી દ્વારા એક ઘોષણા કરવામાં આવી અને ગુજરાતના મોઢેરા ગામને ભારતનું પહેલું સૌર ઉર્જા સંચાલીત ગામ જાહેર કર્યું હતું. અહીં દરેક વ્યક્તિના ઘરે સોલાર પેનલો લાગેલી છે. એટલું જ નહીં અહીં લોકોના ઘરે લાઈટ બિલ પણ નથી આવતા.
પ્રધાનમંત્રીએ 2022માં હહ્યું હતું કે, મોઢેરા, મહેસાણા અને ઉત્તર ગુજરાતના વિકાસમાં અત્યારે સૌર ઉર્જાનો સારો એવો ફાળો રહ્યો છે. આ ગામમાં તમામ પ્રકારના ઉપયોગ માટે સૌર ઉર્જામાંથી ઉત્પન્ન થતી વીજળીનો ઉપયોગ કરવામાં આવે છે. ગુજરાતના મહેસાણા જિલ્લામાં આવેલું મોઢેરા ગામ ચાલુક્ય વંશ દરમિયાન બંધાયેલા સૂર્ય મંદિર માટે પ્રવાસનના દૃષ્ટિકોણથી ખૂબ ચર્ચામાં છે. પરંતુ આ ગામ સૌર ઉર્જા પર કામ કરવા માટે પણ ખૂબ ચર્ચામાં છે. હવે આ ગામ દેશનું પ્રથમ સંપૂર્ણ 24×7 સૌર ઉર્જા પર આધારિત ગામ તરીકે જાહેર થઈ ગયું છે.
ઉલ્લેખનીય છે કે, આ એ જ ગામ છે જ્યા સૂર્યમંદિર આવેલું છે. જે પોતાની આગવી ઓળખ માટે પણ જાણીતું છે. એટલું જ નહીં પરંતુ અહીં વિશ્વભરના લોકો ફરવા માટે પણ આવતા હોય છે. આથી આ ગામનો પ્રવાસન તરીકે પણ સારો એવો વિકાસ થયો છે. ભારતમાં આવેલા ઉચ્ચ કોટીના સૂર્યમંદિરોની વાત કરવામાં આવે તો તેમાં મોઢેરાનું સૂર્ય મંદિર પોતાના આગવી બાંધકામ શૈલી માટે પણ જાણીતું છે.